શુક્રવાર, 19 ફેબ્રુઆરી, 2010

અગર તુમ ન હોતે...

‘સાહેબ, સાહેબ ! ડૉક્ટર સાહેબ !!’ રાત્રિના ક્વાર્ટરના દરવાજા પર નાઇટ ડ્યુટી ના વૉર્ડબૉયનો અવાજ આવ્યો. ડૉ. પરમારે ભર ઊંઘમાંથી ઊઠી લાઇટ કરી. ઘડિયાળમાં જોયું તો રાત્રિના 12:45 થયા હતા. ડૉ. પરમારે ઝટપટ સ્લીપર પહેરી દરવાજો ખોલ્યો.

‘સોલંકી ! શું કોઇ કેસ આવ્યો છે ?’

‘પરમાર સાહેબ, ઝટ ચાલો. ઈમર્જંન્સીમાં આપઘાતનો કેસ છે.’

‘પણ અલ્યા ફોન કરવો હતો ને ? દોડતો કેમ આવ્યો ?’

‘ફોન ક્યાં ચાલે છે ! પી.આઇ. જોષી સાહેબનો છોકરો છે.’

‘ઠીક છે તું જા. પેશંટને ઓટીમાં લેવરાવી લે. હું આવું છું. અને ડૉ. પટેલને બોલાવી લાવજે,’

‘પટેલ સાહેબને ત્યાં તો પે’લેથી જ કહી આવ્યો છું. સાહેબ !’

ડૉ. પટેલ સર્જન હતા. અને એમ.એસ. કરીને તાજા જ હૉસ્પીટલમાં આસી. સર્જન તરીકે જોડાયા હતા. ડૉ. પરમારે કપડાં બદલાવી હૉસ્પીટલ તરફ ડગ ભર્યાં. સૌરાષ્ટ્રના તાલુકા કક્ષાની સરકારી હૉસ્પીટલમાં ડૉ. જયેશ પરમાર સુપરીંટેન્ડન્ટ તરીકે છેલ્લા દોઢ વર્ષથી હતા. જ્યારે ચાર્જ લીધો ત્યારે હૉસ્પીટલમાં તંત્રની બેદરકારીના ભરપુર પૂરાવા હતા. પુરતાં સાધનો ન હતાં. જે હતાં તેમાં મોટા ભાગના જાળવણીને અભાવે મૃતપ્રાય: જેવાં હતાં. સ્ટૉરમાં દવાના ઠેકાણાં ન હતાં. ડૉ. પરમારે જરૂરી સમારકામ કરાવીને સાધનોને ઉપયોગી કર્યાં. ખૂટતાં સાધનો માટે જીલ્લા કક્ષાએ અને ગાંધીનગર હેલ્થ ખાતાના આંટા ફેરા કરી ઑટીને અદ્યતન બનાવ્યું હતું. સરકારી હૉસ્પીટલની સેવામાં સુધારો થતાં ગામમાંથી પણ સારો પ્રતિસાદ સાંપડ્યો અને બે પથારીનું આઇસીયુ પણ ચાલુ કર્યું.

ડૉ. પરમાર જેવા હૉસ્પીટલમાં પ્રવેશ્યા કે ઇંસ્પેક્ટરના ડ્રેસમાં એક આધેડ વયની વ્યક્તિ તેની સામે આવીને ઊભી રહી.

‘ડાક્ટર સાહેબ, હું ઈંસ્પેક્ટર જોષી સું. મારા રાહુલને બચાવી લ્યો. સાહેબ, હું તમારો ગણ જીંદગીભર નહિ ભૂલું.” રડમસ ચહેરે બોલતાં જોષી ડૉ. પરમારના પગે પડવા લાગ્યો. ડૉ. પરમારે તુરત તેને ખભેથી પકડી તેમ કરતાં અટકાવ્યો. અને તેની સામે જોયું. થોડીવાર તે ઈંસ્પેક્ટર જેવા ભડ માણસના આંસુભર્યા ચહેરાને તાકી રહ્યા.

‘ઈંસ્પેક્ટર, તમે જરાપણ ચિંતા ન કરશો. તમે અહિં રાહ જુવો. ઇશ્વરને પ્રાર્થના કરો. તમારા છોકરાને કંઇ નહિ થાય.’ આટલું બોલી તે ઝડપથી ઑપરેશન થીએટરમાં દાખલ થયા.

‘ડૉ. પટેલ, શું પોઝીશન છે ?’

‘સર, બાર્બેચ્યુરેટ ઓવરડૉઝ છે. કલાકથી વધારે સમય થયો છે. બસ, બધી તૈયારી થઈ ગઇ છે. ડ્રીપ ચાલુ કરીને સ્ટમકવૉશની શરૂઆત કરતો હતો ત્યાં તમે આવ્યા.’

‘ચાલો તો સક્શન ચાલુ કરો.’ કહી ડૉ. પરમારે પેશંટના વાયટલ સ્ટેટ- ધબકારા, નાડી અને બ્લડ પ્રેશર વિ.-ચેક કર્યા. આંખોની પાંપણો ઊંચી કરીને કીકીનું ડાયલેશન ચેક કર્યું. ડૉ. પટેલે સારવાર શરૂ કરી દીધી હતી. બરાબર દોઢ કલાકની જહેમત પછી દર્દીને સઘન સારવાર રૂમમાં લઇ જવાયો. ડૉ. પરમારે જોષીને પોતાની કેબીનમાં બોલાવ્યા.

‘જુવો જોષી સાહેબ, આ આપઘાતનો કેસ છે માટે પોલીસ ફરિયાદનું શું?’

‘સાહેબ, રાહુલ બચી તો જાહે ને?’

‘હા. તમારો દીકરો હવે ભયમુક્ત છે. સવાર સુધી ઘેનમાં રહેશે. થોડી નબળાઇ લાગશે. સાંજ સુધીમાં તમે ઘેર લઇ જઇ શકશો. માટે તમે તે બાબત નચિંત રહેજો. પણ સરકારી કાયદા પ્રમાણે મારે કેસ તો રજિસ્ટર કરવો પડશે.’

‘સાહેબ, મારી હત્તર વર્ષની નોકરીમાં મેં કંયેય કાંઇ ખોટું કામ નથ કર્યું. હું જાણું સું કે મારે દફ્તરે નોંધ કરાવવી જોવે, પણ મારી આપને વિનંતી છે; આપ જો આ વાતને આંયાં જ દબાવી દ્યો તો હારું. મારું કટુમ્બ બરબાદ થઇ જાહે. મારા છો’રાની જીંદગી ખતમ થઇ જાહે. એક બા’મણની ઉપર દયા કરો. સાહેબ.‘ ઈંસ્પેક્ટર જોષી બે હાથ જોડીને લાચાર નજરે ડૉ. પરમારની સામે ઊભો રહ્યો.

‘તમે બેસો, ઊભા ન રહો. હવે શાંતિથી વાત કરો. રાહુલે આ પગલું કેમ લીધું ?’

‘અરે સાહેબ, રાહુલ બચાડો બહુ લાગણીવાળો સે. સે તો હોંશ્યાર, પણ કોણ જાણે કેમ બારમાં ધોરણમાં નપાસ થ્યો. નપાસ તો હું દલથી નાસીપાસ થ્યો. મને સપનામાં ય ઓસાણ ન’તું કે ઇ આવું પગલું ભરહે. બારમા ધોરણનું પરિણામ હતું તી’ ગામના તળાવે બંદોબસ્ત ગોઠવ્યો ‘તો ન્યા હું રાઉંડ મારવા ગ્યો ‘તો. મલકના લાડકાઉના જીવ બચાવવાની હડિયાપટ્ટીમાં મારા પંડના છોરાને ભુલી ગ્યો !’

‘તમે એને નાપાસ થવા બદલ કોઇ ઠપકો આપ્યો હતો ?’

‘નાઆ..રે ! બિલકુલ નહીં. મેં તો ઈને હિંમત રાખીને નવેહરથી ત્યારી કરવાનું ક’યું ‘તું. અને એક જ વિષયમાં નપાસ થ્યો છ. બીજા સંધાયમાં તો સારા મારક સે.’

‘હવે તમે રાહુલની ચિંતા સદંતર છોડી દો. એ આવતી કાલ –હવે તો આજ સાંજ સુધીમાં હરતો ફરતો થઇ જશે. હવે રાત પણ બહુ થઇ છે તમે ઘેર જઇને આરામથી સૂઇ જાઓ. અહિં ICUમાં તેની પૂરતી કાળજી લેવાશે. આમ તો ICUમાં રાખવાની જરૂર ન હતી. મેં એને ખાસ કેસ તરીકે ત્યાં રાખ્યો છે. અને નાઇટ ડ્યુટી સ્ટાફને સુચના આપી છે કે કોઇ તકલીફ હોય તો મને તુરત જગાડે.’

‘જી સાહેબ તમારો ખૂબ ખૂબ આભાર’ કહી ઈંસ્પેક્ટર જોષી ઊભા થઇ કેબીનના દરવાજાતરફ ચાલવા લાગ્યા.

‘અરે જોષી સાહેબ, તમારું પોસ્ટીંગ ક્યારેય વડોદરામાં હતું ?’

‘હા દહેક વરહ પેલાં પીઆઇ તરીકે મારી બઢતી થઇ તયેં સયાજીગંજ પો. સ્ટેશનમાં પોસ્ટીંગ થ્યું ‘તું. કાં ?’

‘ના બસ અમસ્તું જ. આવજો.’

ઈંસ્પેક્ટર જોષીને વિદાય કરી ડૉ. પરમાર થોડીવાર કેબીનના બંધ દરવાજા તરફ તાકતા રહ્યા. આમને આમ કેટલોક સમય વિચારમગ્ન બેસી રહ્યા પછી પોતાના ક્વાર્ટર તરફ રવાના થયા.
*
પણ આજે ડૉ. પરમારની નિદ્રા વેરણ થઇ હતી. જૂના ઝખમો પુનઃ તાજા થયા હતા. પથારીમાં લંબાવીને આંખો બંધ કરતાં ડૉ. પરમારના મનઃપટ પર ડૉ. કે. એમ. શાહની મૂર્તિ ઉપસ્થિત થઇ. ડૉ. કાંતિલાલ મરઘાભાઇ શાહ, નિષ્ણાત અને ગર્વિષ્ઠ સર્જન, મેડિકલ કૉલેજના સર્જરી વિભાગના વડા, એક કાબેલ અને નિપુણ સર્જન હોવા ઉપરાંત રાજકીય મીઠા સંબંધોને કારણે સહુ તેના તેજોવધથી ગભરાતા. ત્યાં સુધી કે કૉલેજના ડીન પણ તેનાથી બને તેટલું અંતર રાખતા. M.B.B.S.માં અભ્યાસ કરતો જયેશ પરમાર તેને આંખના કણાની જેમ ખૂંચતો હતો. પછાત કોમમાં જન્મ લીધેલો સફાઇ કામદારનો છોકરો આટલો બુદ્ધિશાળી અને હોંશિયાર હોઇ જ કેમ શકે ! અરે ! હોવો જ ન જોઇએ એમ તે માનતા. તેમાંય જયેશ પરમાર પછાત વર્ગની અનામત સીટને બદલે ઑપન મેરિટ પર મેડિકલમાં પ્રવેશ મેળવીને આવેલો હોવાથી તે વકરેલા ‘પાઇલ્સ’ જેવો લાગતો. કેમ જાણે પોતાના પુત્ર કર્ણને મણિપાલની મેડિકલ કૉલેજમાં ડોનેશન આપીને મોકલવો પડ્યો તેને માટે જયેશ પરમાર જવાબદાર હોય ! જયેશના સ્વાભિમાનને ખંડિત કરવાની એકપણ તક ડો. શાહ ચુકતા નહિ. ઓ.પી.ડી હોય કે ઓ.ટી., ડૉ. શાહનાં કટાક્ષ બાણો હમેશાં જયેશ પર જ વરસતાં. જયેશને આ પ્રમાણે વારંવાર અપમાનિત થતો જોવા છત્તાં બીજા કોઇની તાકાત ન હતી કે ડૉ. શાહની વિરુધ્ધ એક હરફ ઉચ્ચારી શકે. સિવાય ડૉ. ગાર્ગી પાઠક, હેડ ઑફ મેડીસીન ડીપાર્ટમેંટ. તે ઘણી વાર કુશળતા પૂર્વક જયેશના ઝખમો પર મલમ લગાડી આપતાં ! જયેશનું ધ્યાન અન્ય બાબતો તરફ વાળી લેતાં. જયેશને ખૂબ લાગી આવતું. શું પછાત કોમમાં જન્મ લેવો તે અપરાધ છે ? બુદ્ધિમતા, હોંશિયારી, કાર્યકુશળતા વિ. ગુણો પર શું સવર્ણોનો જ ઇજારો છે ? ડૉક્ટરનો છોકરો ડૉક્ટર બને માટે સફાઇ કામદારના છોકરાએ સફાઇ કામદાર બનવું એવું કોણે લખી આપ્યું છે ? શું તે સંતાનો અન્ય ક્ષેત્રમાં ન પ્રવેશી શકે ? આવા અનેક સવાલો જયેશના મગજમાં ઘણની જેમ પછડાતા. સદભાગ્યે સહપાઠીઓનો વ્યવહાર જયેશ સાથે સરળ રહેતો. તેઓ કદી જયેશને હીનતાનો અનુભવ ન થવા દેતા. ઘણીવાર ડૉ. શાહના વાગ્બાણોથી ઘવાયેલા જયેશને ખુશ કરવાના પ્રયત્નો પણ કરતા. અને ડૉ. પાઠક તો એની ખાસ કાળજી લેતાં. તેને વખતો વખત માનસિક બળ પ્રેરતાં અને આર્થિક રીતે પણ જયેશને તકલીફ ના પદે તેનું ધ્યાન રાખતાં. મેડિકલનાં મોંઘાં પુસ્તકો અને અન્ય સામગ્રી જયેશને સરળતાથી મળે તેવી અનુકૂળતા કરી આપતા. કૉલેજની તેમજ પોતાની અંગત લાયબ્રેરીમાંથી જયેશને જોઇતાં પુસ્તકો મેળવી આપતાં.

જયેશ પરમારને સર્જન થવાની મહેચ્છા હતી. એ માટે તે ખૂબ મહેનત કરતો. થીયરીમાં તો તે હમેશાં સારા માર્ક્સ લઇ આવતો. ઑપરેશનમાં પણ તેણે કુશળતા પ્રાપ્ત કરી હતી. અને આ જ વાત ડૉ. શાહને ખટકતી હતી.

એક દિવસ તો ડૉ. શાહે હદ કરી નાખી. એ કાળા દિવસની યાદ આવતાં ડૉ. પરમારને કમકમાં આવી ગયાં. તે દિવસે સર્જરીના વિષયની આખરી મૌખિક કસોટી હતી. ડૉ. શાહે જાણે જયેશનું પરિણામ અગાઉથી નક્કિ જ કરી નાખ્યું હતું ! ઑરલમાં અન્ય યુનિવર્સીટીના પરીક્ષક હોય છે તે પણ ડૉ. શાહના કદાચ મળતિયા હશે. બન્નેએ જયેશની કઠિનમાં કઠિન કસોટી કરી. પ્રશ્નનો ઉત્તર સાચો હોય કે ન હોય, તે ખોટો જ છે તેવું સાબિત કરી આપતા અને તેને વધારે ગૂંચવતા. વધારામાં તેનાં ઝેરીલાં કટાક્ષબાણો તો ખરાં જ. પૂરા ચાર કલાક સુધી જયેશની ઑરલ ચાલી. ડૉ. શાહે જયેશને કહી દીધું કે જ્યાં સુધી તે આ કૉલેજમાં હશે ત્યાં સુધી તેને કદી તેને સર્જન નહીં થવા દે. પરીક્ષા ખંડમાંથી બહાર નીકળેલ જયેશ કંઇક જુદો જ હતો; નિસ્તેજ, નીરાશ, હતાશ, તનથી અને મનથી ભાંગી ગયેલો.

ડૉ. પરમારે મહાપરાણે આંખોને ભીંસી ને વિચારો પર કરફ્યુ લાદી દીધો. અને નિદ્દ્રાદેવીને શરણે થયા.
*
સાંજના સાડા છએ ઑપીડી પતાવીને ડૉ. પરમાર પોતાની ઑફિસમાં ગયા. ત્યાં રાહુલ અને ઇંસ્પેક્ટર જોષી સાદા પોષાકમાં તેની રાહ જોતા હતા. બંનેને અંદર લઇ જઇ બેસાર્યા. પટાવાળાને ચા લાવવાની સુચના આપી.

‘કેમ રાહુલ, હવે કેવું લાગે છે ?’

‘સારૂં છે સર.’ ક્ષોભ અને ગભરાટની મિશ્ર લાગણી અનુભવતા રાહુલે નીચી નજરે જવાબ આપ્યો.

'જો દોસ્ત, જે થયું તેને ખરાબ સ્વપ્ન ગણીને મનમાંથી કાયમ માટે રજા આપી દેવાની. તારી પાસે બહુ લાંબી જીંદગી પડી છે. જીવનમાં અનેક સિદ્ધિઓ મેળવવાની હજુ બાકી છે, ખરૂં ને ? શું બનવાનો વિચાર છે ડૉક્ટર કે એંજિનીયર ?'

'સર, શક્ય હોય તો IPSની પરીક્ષા આપવી છે.' રાહુલે સંકોચ સાથે જવાબ આપ્યો.

'અરે ! સાહેબને પગે પડ્ય, પગે!. ઈમણે તને નવું આયખું આપ્યું સે.' જોષીએ દિકરાને ટપાર્યો. રાહુલ ઉભો થવા જતો હતો તેને રોકીને ડૉ. પરમાર બોલી ઉઠ્યા,

'અરે, તેની કોઇ જરૂર નથી. હકીકતમાં તો મારે તારા પપ્પાને પગે પડીને તેના આશીર્વાદ લેવાની જરૂર છે.' કહી તેમણે સાચે જ ઊભા થઇ જોષીનો ચરણસ્પર્શ કર્યો.

‘અરે ! અરે સાહેબ ! આ હું કરો સો? તમે મને પાપમાં નાખો સો, બાપલિયા. તમે મારા છો'રાના જીવનદાતા સો અને તમે મારે પગે પડો ઇ કેવું ભૂંડું લાગે ?' ઇંસ્પેક્ટર જોષી ખળભળી ઉઠ્યા.

‘ના. જોષી સાહેબ, આ જ યોગ્ય છે. અને તે માટે જ મેં તમોને અહીં બોલાવ્યા છે. રાહુલ, મારે તને એક વાત કહેવાની છે. આજથી દસ વર્ષ પહેલાં તારી જેમ જ એક છોકરો પરીક્ષામાં નિષ્ફળતા મળવાથી નિરાશ થઇ ગયો હતો અને પોતાના જીવનનો અંત આણવાનો નિર્ણય કર્યો હતો. હૉસ્ટેલમાં રહેતો હોવાથી તેને એકાંત મળે તેમ ન હતું આથી સમી સાંજે ઝેરી દવાની શીશી લઇને તે કમાટી બાગમાં ગયો. બાગના એકાંત ખૂણે તે બેઠો હતો, ઉદાસ અને શૂન્યમનસ્ક. ઝેર પીવાની હિંમત એકઠી કરવાનો પ્રયત્ન કરતો હતો. કેટલો સમય વિતી ગયો તેનું તેને ભાન ન હતું. બગીચામાં નીરવ શાંતિ છવાઇ ગઇ હતી. રાત્રિના અંધકારે તેનું સામ્રાજ્ય સ્થાપી દીધું હતું. બાગની મર્ક્યુરી લાઇટો તેમના આછા પ્રકાશથી ઉજાસ પાથરવાનો વ્યર્થ પ્રયત્ન કરતી હતી. ત્યારે એક વ્યક્તિએ આ યુવક પાસે જઇને કડક અવાજે પૂછ્યું;

'એલા કોણ સે ? આંયા એકલો કેમ બેઠો સે ? તારું નામ સું ?'

અચાનક આવેલી આ વ્યક્તિ અને તેના પ્રશ્નોથી વિચલિત થયેલા એ યુવકનો હાથ અજાણતાં ખિસ્સા પર જઇ પડ્યો અને હોઠ ભીડાઇ ગયા.

'તારા ગજવામાં હું સે ? હાલ બતાવ ?' કહી યુવકના ખીસામાંથી ઝેરી દવાની બાટલી કાઢી. 'હ્મ્મ્મ્મ.. , તો ભાઇબંધ જીવન ન્યોછાવર કરવા નિહર્યા સો કાં ? કાંઇ સોકરી-બોકરીનુ લફરું સે ? હાસું કે જે હો, હું પોલીસ ખાતાનો માણહ સું. ખોટું બોલ્યો તો હ્ળિયા પાસળ ધકેલી દઇશ.'

તે યુવકના મોઢામાંથી એકે શબ્દ તો ન નીકળી શક્યો પણ આંખોમાંથી શ્રાવણ-ભાદરવો વરસવા લાગ્યા.

તે વ્યક્તિએ યુવકને બાથમાં લઇ પીઠ પર હાથ ફેરવી શાંત કર્યો. પ્રેમથી સમજાવ્યો. 'જો ભાઇ, આ જીંદગી તો ઉપરવાળાની દેન સે. પરભુએ આપણને કાંઇક કરવા સાટે મોકલ્યા સે. ઈને વેડફવાની નથી, હમજ્યો ? તું ભણતો હઇશ, દર સાલ પરક્ષા આવે સે ને ઇમાં પાસ હોત થાય સે ને ? ઈમ પેલો ઈશ્વર કો'કવાર આપણી કહોટી કરે અને તયેં હામી સાતીએ બથ ભીડવાની હોય, આમ હથિયાર હેઠે મેલીને પારોઠનાં પગલાં ન મંડાય.' આમ તે યુવકને લાગણીથી સમજાવી બધી વાત કઢાવી. તેને જીંદગીના કર્તવ્યનું જ્ઞાન કરાવ્યું અને છેક હૉસ્ટેલ સુધી મુકી ગઇ.

એ યુવક એટલે તારી સામે છે તે હું ડૉ. પરમાર. તે બનાવ પછી યુનિ. માં બીજા નંબરે M.D.ની ઉપાધિ મેળવી અને સરકારની સેવામાં જોડાયો. અને તે પ્રેમાળ વ્યક્તિ તે આ તારા પપ્પા, જોષી સાહેબ. તેમને જોતાં જ હું ઓળખી ગયો હતો. આજે તેમના કારણે મારું અસ્તિત્વ છે. આવા પિતા માટે તને ગર્વ થાય માટે આ વાત તને કહી છે. માટે હવેથી IPS ની તૈયારીમાં લાગી જા. "

કેબીનમાં વગર ચોમાસે છ છ આંખોમાંથી અમીધારા વહેતી હતી.

===========XXX==========

(લખ્યા તા. 21/06/2006.)

15 ટિપ્પણીઓ:

  1. આદરણીય શ્રીભજમનસાહેબ,

    સુંદર, અતિ સુંદર, અભિનંદન,

    આવા હકારાત્મક વાયરસ આખા ભારતમાં ઝડપથી ફેલાય તે માટે ઈશ્વરને સાચા દિલથી પ્રાર્થના,

    માર્કંડ દવે.

    જવાબ આપોકાઢી નાખો
  2. Pancham Shukla મનેં ને
    વિગતો દર્શાવો 02:50 pm (3 કલાક પહેલા)


    Nice story. Quite relevant and timely in this exam season.

    જવાબ આપોકાઢી નાખો
  3. ઇ-સંદેશ -Arvind Adalja
    ભાઈશ્રી ભજમન
    ખૂબ જ સુંદર અને ઋદયસ્પર્શી વાર્તા અને તે પણ યોગ્ય સમયે કે જ્યારે પરીક્ષાનો માહોલ જામી રહ્યો છે ! દરેક મા-બાપ અને બાળકોએ યોગ્ય સંદર્ભમાં સમજવી રહી !
    સ-સ્નેહ
    અરવિંદ

    જવાબ આપોકાઢી નાખો
  4. મજમનભાઈ,
    ખૂબ ખૂબ ધન્યવાદ, માવજતથી ભરી ભરી વાર્તા!
    સામગ્રી હોય,વેદનાહોય,સંવેદના પણ હોય... ઘણું ઘણું હોય .. પણ માવજત ન હોય તો બધું નકામું. તમારી રજૂઆતની લીધે વાર્તા જામે છે.

    જવાબ આપોકાઢી નાખો
  5. એક પળ કાફી છે જિંદગી બદલવા માટે.
    દરિયો ઓછો પડે છે ક્યારેક તરવા માટે.

    સરસ વાર્તા. ટૂંકી વાર્તા લખવી અઘરી છે. મને તો મારી વાર્તાઓ લાંબી હોય છે એવા પ્રતિભાવ મળ્યા રાખે છે અને એ સાવ સાચા છે. ત્યારે આપની વાર્તા ઘણી જ ગમી.

    આપને અભિનંદન.

    જવાબ આપોકાઢી નાખો
  6. વાર્તા ખરેખર સુંદર ભાવવાહી બની છે. અભિનંદન...ભજમનભાઇ..

    જવાબ આપોકાઢી નાખો
  7. બહુજ સરસ
    હૃદયસ્પર્શી વાર્તા ..!!
    નિરુપમ

    જવાબ આપોકાઢી નાખો
  8. ભજમનભાઇ,

    અભિનંદન.

    Rajendra Trivedi,M.D.
    www.bpaindia.org

    જવાબ આપોકાઢી નાખો
  9. દાક્તર - કંપાઉન્ડર આ કોની ઠાઠ્ડી નીકળી છે.

    કં - સાહેબ , કાલે નથ્થુનો દીકરો મરી ગ્યો .

    દા - હોય નહી,મારી દવા તો લીધી નો'તી !

    જવાબ આપોકાઢી નાખો