શુક્રવાર, 20 નવેમ્બર, 2009

મારી પ્રથમ વાર્તા.


( આ વાર્તા મારા કોલેજકાળ દરમ્યાન (1972) માં લખાઇ હતી. ત્યાર બાદ વાર્તામાસિક “ચાંદની”ના જાન્યુ., 1975ના અંકમાં છપાઈ હતી. એ જ સ્વરૂપે, કશા ફેરફાર વિના અહીં મુકી છે. આથી 37 વર્ષનો ગાળો ભાવકને ઊડીને આંખે વળગે તે સ્વાભાવિક છે.)

પત્તાંનો મહેલ


મેસમાંથી આવી જોષીએ રૂમ ખોલી, લાઇટ કરી. વરિયાળીથી ભરેલ મૂઠો ટેબલ પર ઠાલવ્યો. ખુરશી ખેંચી બેઠો. ટેબલની ધાર પર પગ ગોઠવી, પાછલા પાયા પર ખુરશી ઝૂલાવતાં ઝૂલાવતાં થોડી વરિયાળી હાથમાં લઈ સાફ કરવામાં ધ્યાન પરોવ્યું.

‘ઓ.પી.ડી.નો રીપોર્ટ તૈયાર કરવાનો છે. આ વખતે લેટ સબમીટ થશે તો ડૉ. પટેલ ધૂળ કાઢી નાખશે. ગયે વખતે તો બા’નાં કાઢી છટકી જવાયું હતું. કાલે પાછો ‘ઑપરેશન ડે’ છે. એટલે આખો દિવસ રીપોર્ટ લખવાનો તો ટાઇમ જ મળવાનો નહિ. ચાલ, જીવ !’ બબડતાં ટેબલ પરથી પગ નીચે ઉતાર્યા, ખાનામાંથી રીપોર્ટ હાથમાં લઈ ટેબલલેમ્પ એડજસ્ટ કર્યો.

‘હમ્મ્મ્મ્મ, નરગીસ સાલી આવી નહિ – માળીએ ઝાલો આપ્યો! સાંજ આખી રૂઇન થઇ ગઇ! દોઢ કલાક ટૉકીઝ પર પગનું પાણી ઉતાર્યું તે નફામાં. કાલે વાત છે !’ પેનનું ઢાકણું ખોલતાં ખોલતાં વળી વિચારે ચઢ્યો. ‘પેલા અરૂણિયા સાથે આજ લાયબ્રેરીમાં ગપાટા મારતી હતી. નક્કી તેની સાથે જ ઊપડી હશે. અરૂણિયો પણ પાકો પોલસન છે ! જહન્નમમાં જાય બંન્ને !’ કહેતાં જોષીએ રીપોર્ટ લખવા પ્રત્યે મન વાળ્યું. ‘કેસ નંબર ... ?‘

‘ધત્તેરેકી ! પેનમાં શાહી તો છે નહિ ! દસ દિવસથી ખડિયો ખલાસ થઈ ગયો છે – સાલું દરરોજ ભૂલી જવાય છે ! હવે હમણાં તો રીપોર્ટ નહીં લખાય. બાજુમાં શાહ આવશે ત્યારે તેની પાસેથી શાહી લેવી પડશે. એ પણ પાકો અમદાવાદી છે, જાજરૂ જશે તો ય રૂમને લોક કરીને જશે ! ચાલ, કાલના ઑપરેશનની તૈયારી કરું. લાસ્ટ ટાઇમ તો બન્ને ટૉન્સિલનાં ઑપરેશન હતાં એટલે ગાડું ગબડી ગયું, પણ આ વખતે તો “એપેંડક્ટૉમી” છે, વાંચ્યા વગર નહિ ચાલે. વળી ડૉ. બાફના આવવાનો છે, પ્રીપેર્ડ નહિ થવાય તો લેફ્ટ રાઇટ લેશે!’

ઊભા થઇ કબાટમાંથી ‘બેઈલી’ લઈને ફરી ખુરશી પર બેઠો.

‘કેમ, બોચાટ !’ રૂમમાં આવી જોષીને ટપલી મારતાં શેઠ બોલ્યો, ‘એલા જમ્યો કે પછી ખાધાપીધા વિના જ મંડી પડ્યો છે ? આજે તો તારું ભાવતું શાક છે !’

‘ખબર છે યાર ! હમણાં જ જમીને આવ્યો.’

’અરે જોષી ! તું નટરાજ પર કોની રાહ જોતો હતો ?’ રોહિતે આવતાંવેંત જ ટેબલ પરની વરિયાળીનો બુકડો મોંમાં નાખતાં પ્રત્યુત્તરની રાહ જોયા વગર જ આગળ ચલાવ્યું, ‘બેટમજી નરગીસનાં સપનાં જોવામાં પડ્યા છે! જોજે ‘લ્યા, એવી એણે તો કેટલાયના હાર્ટ ટ્રાંસપ્લાંટ કરી નાખ્યાં છે !’

‘ના યાર, ખાલી અમથો જ.’ કહી જોષીએ વાત ટાળવાનો પ્રયાસ કર્યો.

‘ભાઇ..! કોઇને ચક્કર મારવા આવવું છે ?’ શાહે રૂમના દરવાજામાંથી બૂમ મારી.

રોહિતે તરત જ સાથ આપવાની તૈયારી બતાવી, ‘હા, હા, ચાલ. જોષી! પછી વાંચજે, લીબર્ટીમાં એક કપ ચા પીતા આવીએ.’

‘તમે લોકો જાઓ, યાર, મારે થોડું વર્ક બાકી છે.’

‘હવે વર્કવાળી !’ ‘પાછો માન ખાય છે’ વગેરે વાક્યોથી નવાજતા સહુ જોષીને સાથે લઇ રૂમમાંથી બહાર નીકળ્યા.

હમેશાં આમ થતું. કોઇવાર લિબર્ટીમાં ચા પીવાનું નક્કી થતું, તો વળી કોઇવાર ગોપી ઉષા ઐયરની લેટેસ્ટ એલ.પી. ટેપ કરી લાવ્યો હોય. બધા અચૂક જોષીની જ રૂમમાં અડ્ડો જમાવે, અને ત્યાંથી કોઇ ને કોઇ પ્રોગ્રામ નક્કી થતા. જોષીને તેમાં મને-ક-મને સામેલ થવું પડે.

*

જટાશંકર જોષી નિવૃત્ત પોસ્ટમાસ્તર હતા.નોકરી દરમ્યાન દીકરીનાં લગ્ન કરી સાસરે વળાવી હતી. પ્રવિણને દાક્તરી કોલેજમાં મોકલ્યો હતો, અને રમેશ મેટ્રિકમાં આવ્યો હતો. પ્રવિણ ભણવામાં હોશિયાર હતો. સરકારી શિષ્યવૃત્તિ અને ફી-માફી મેળવી તે ભણતો. રમેશને કોલેજમાં આવવાનો વખત થતાં સુધીમાં તો તે દાક્તર થઇ ગયો હોતે. પરંતુ જટાશંકરનાં નસીબ બે ડગલાં આગળ હતાં. છેલ્લાં બે વર્ષથી પ્રવીણને સફળતા સાથે તકરાર થતી અને જટાશંકરની ગણતરી ઊંધી પડતી.

આછાપાતળા પેંશન ઉપરાંત કમાણીના સાધનમાં બાપદાદાથી ચાલી આવતી યજમાનવૃત્તિ જ હતી. વડિલોપાર્જિત મિલ્કતમાં એક નાનું ખોરડું કે જેમાં તેઓ રહેતા હતા તે અને થોડાઘણા યજમાનો હતા. પોસ્ટખાતાની નોકરીને કારણે આ યજમાનોને પણ તેઓ બરાબર સાચવી શકતા ન હતા. અલબત્ત, કોઇને કોઇ હજુ ગોર તરીકે આછોપાતળો વહેવાર રાખતા અને વારતહેવારે સીધું-સામાન મોકલતા રહેતા ખરા, અને એથીસ્તો નિવૃત્ત થયા પછી સુષુપ્ત યજમાનવૃત્તિને એમણે જાગૃત કરી હતી. ગુમાવેલા યજમાનો પાછા મેળવવામાં એમને ઓછી મુશ્કેલી નહોતી, કારણ કે અમુક અંશે સ્વભાવે સિધ્ધાંતવાદી હોવાથી ધંધાદારી કુનેહ તેઓ અજમાવી શકતા નહિ. એક દિવસમાં ત્રણ ત્રણ લગ્નો તે ‘પતાવી’ શકતા નહિ, અને એવું કરવામાં ભગવાનના ઘરના ગુનેગાર થવાય એમ માનતા. એમની કથા પણ શ્રોતાઓને અન્ય કથાકારોના જેવી રસમય ન લાગતી, કેમકે તેમાં સાંસારિક દ્રષ્ટાંતો ઓછાં રહેતાં અને તાત્વિક વાતો વધારે. આમ જટાશંકરને હાથે લગ્ન વગેરે ક્રિયાકાંડ શુધ્ધ શાસ્ત્રીય રીતે થતા હોવા છત્તાં ગણ્યા-ગાંઠ્યા સનાતની યજમાનો સિવાયના અન્ય તેમને ‘ચીકણા જોષી’ તરીકે ઓળખતા.

અને હવે તો વાર્ધક્યની અસર પણ જણાવા માંડી હોઇ આજુબાજુનાં ગામડાના દોડા એમનાથી થઇ શકતા નહિ. એક તો પોતાની તબિયત આમ નરમગરમ રહેતી હતી ત્યાં દુષ્કાળમાં અધિકમાસની જેમ રેવાબેનને બંન્ને આંખે મોતિયા આવતાં ઘરની પણ બધી જવાબદારી એમના માથે આવી પડી હતી. રેવાબેનની ચાકરી, રસોઇ, સંધ્યા-પૂજા વગેરેમાં જ આખો દિવસ પસાર થઇ જતો.

રમેશનું મેટ્રિકનું વર્ષ હતું, આથી તેના અભ્યાસમાં બને તેટલી ઓછી ખલેલ પડે તેની કાળજી જટાશંકર રાખતા. રમેશ પણ સમજુ હતો., પોતાનાથી બનતી મદદ તે ઘરકામમાં કરતો રહેતો, પરંતુ, કોલેજ-હોસ્ટેલનો ખર્ચો, રેવાબેનનાં દવાદારૂ ઇત્યાદિ જટાશંકરના પાતળા પેંશનમાંથી પૂરાં પડે તેમ ન હતાં. થોડીઘણી બચત હતી તે ય રંભાના દહેજમાં અને બાકીની પ્રવીણના ભણતરમાં ચવાઇ ગઇ હતી. રમેશનું તો બધું જ ભણતર બાકી હતું. જ્યારે આ બાજુ પ્રવીણના સાસરીવાળા લગ્ન માટે ઉતાવળ કર્યા કરતા હતા. રેવાબેનની ઈચ્છા પણ પુત્રવધૂને ઘરનો ભાર સોંપી દીધા પછી પોતાની આંખ મીંચાય તેવી હતી. આ બધી મુશ્કેલીઓ વચ્ચે પ્રવીણ જ એક આશાદીપ હતો. એકવાર એ દાકતર થઇ ગયો પછી કશો જ વાંધો ન હતો. એકમાત્ર આ જ આશાના સહારે તેઓ જીવનઝંઝાવાતનો સતત સામનો કરતા રહ્યા હતા.

‘કેમ જોષી ! એક્ઝામની તૈયારી કેવી ચાલે છે ?’

‘અરે, યાર, જવા દેને ? આ સાલ પણ મારા તો ટાંટિયા ધ્રૂજે છે !’

‘હવે જા, જા. મેડિસીનમાં તો ફક્કડ એવરેજ બનાવીને બેઠો છે !’

‘પણ સર્જરીમાં હાંજા ગગડી ગયા છે તે ખબર છે ને ? વળી આપણને ડૉ. બાફના સાથે બનતું નથી એ તો તું જાણે છે .. .. ‘

‘બેટમજી, અમે તો પહેલેથી કે’તા’તા ! એ કૂતરાને વતાવવા જેવો જ નથી, ને તું તો ઑ.ટી.માં સીસ્ટરને ‘સ્ટર’ કરવામાંથી જ ઊંચો આવતો ન’તો !’

‘જવા દે ને યાર, લક જ નથી ! એક્ઝામને માંડ મહિનો છે, ને.... ‘

‘જોષી, યાર શું આખો દા’ડો રોદણાં રો રો કરે છે ? આખું વરસ શું જખ મારતો’તો ? ખબર નો’તી કે “કાકી” આવે છે ?’ કે.ટી. એ જોષીની ખબર લેતાં કહ્યું.

‘જખ તો કંઇ મારી નથી પણ જોઇએ એવું રીડીંગ થતું નથી. મિડવાઇફરીને તો અડ્યો જ નથી. ઈમર્જંન્સી સર્જરીનો આખો ટૉપિક બાકી છે. કઈંક કરવું તો પડશે જ, નહિ તો ખેર નથી !’ જોષીને ખરેખર ફડક પેસી ગઇ હતી.

‘જોષી, યે તેરા લેટર મેરે રૂમમેં ડાલ ગયા લગતા હૈ.‘ કહેતાં સરદાર હાથમાં કાગળ ફરફરાવતો આવ્યો.

‘અરે સરદાર ! મેરે પાસ લા, મીસીસ જોષીકા હોગા!’ કહેતાં કે.ટી.એ વચ્ચેથી પત્ર તફડાવી લીધો. જોષીની પરવા કર્યા વગર વાંચવાનું શરૂ કર્યું.

‘અરે, આ તો એના બાપાનો છે ! “બેટા પ્રવીણ, જટાશંકરના આશિષ વાંચજે...” જોષીડા, પગે લાગ, પગે લાગ ! “અભ્યાસમાં ચિત્ત પરોવ્યું હશે?..” કપાળ અભ્યાસમાં, બેટો અમનચમન કરે છે !’ અને આખો કૉમન રૂમ હાસ્યથી ગાજી ઊઠ્યો !

પત્ર ખુંચવી લઇ જોષી રૂમ પર ચાલ્યો આવ્યો. પત્ર વાંચતાં વાંચતાં તેની આંખોમાં પાણી ધસી આવ્યાં. ‘બા બિમાર છે. બાપાની તબિયત પણ ખાસ સારી નથી. વાણિયાએ ઘર ઉપર વધારે પૈસા આપવાની સાફ ના પાડી દીધી છે—‘ નાનો ભાઇ લખતો હતો.

‘બાપા! બાપા !’ જોષીનું હૈયું પોકારી ઉઠ્યું. ‘હવે તમને વધારે દુઃખી નહિ થવા દૌં. મારે લીધે તમે બહુ સહન કર્યું છે. ઓ પ્રભુ ! બસ આ એક મહિનો જેમતેમ પસાર કરાવી આપ – બસ એક જ મહિનો ! બાપા, તમારો “પવલો” પછી તમને એક તણખલું પણ તોડવા નહિ દે, તમારી લાકડી થઇને ઊભો રહેશે, બાપા !

જોષીનું હૈયું આર્તનાદ કરી ઉઠ્યું. “ધિક્કાર છે ! ધિક્કાર છે !” ના પોકારો રૂમમાં ચોતરફ ઘંટનાદની જેમ ઘૂમરાવા લાગ્યા.

ત્યાં તો લોબીમાંથી સાદ આવ્યા—‘ઓ જોષી ! ચાલ રે ,”બોબી”ની ટિકીટો આવી ગઈ છે, જલદી નીચે આવ !’

‘ઓ જટાશંકરના સુપુત્ર ! જલદી કર , મોડું થાય છે !’

જોષી એકદમ સ્વસ્થ થાઇ ગયો. પિક્ચર ? ના, પિક્ચર તો નથી જ જોવું. પણ આજ કદાચ નરગીસ .આવે ?! ભલે આવી હોય, નરગીસને અને પોતાને શું? ત્યાં તો બુધ્ધિએ જાણે બળવો પોકાર્યો-- ‘કેમ ભૂલી ગયો? નરગીસ ખાતર ડૉ. બાફનાનો રોષ વહોર્યો હતો ?!’

‘એએ..બોચાઆ.....આ..ટ ! ચાલ જલદી !’ નીચેથી બૂમો વધતી જતી હતી.

ના, ના. નથી જ જ્વું. “બેઈલી” ઉઘાડીને બેસી ગયો. ત્યાં—

‘જો.......ષી...!’

બસ, આ એક પિક્ચર જોઈ આવું. પછી નહિ જાઉં—બસ , એક જ ! ઝડપથી શર્ટ પહેરી રૂમની બહાર નીકળી ગયો.

રૂમમાં ટેબલ પર સર્જરીની ખુલ્લી ચોપડીનાં પાનાં ફરફરતાં હતાં....!

<******>

[લખ્યા તા.26/05/1972.]                                         [વાર્તામાસિક “ચાંદની” જાન્યુ.1975ના અંકમાં છપાઈ]


3 ટિપ્પણીઓ:

  1. koi ne pan college na divaso ni yaad apavi de, evi sundar varta :)

    maja aai vanchi ne :)
    Infact, JataShankar Joshi vishe tame saras lakhyu chhe...pan agar Joshi e picture jova na jaat to na chalat? kai pan kahevu mushkel chhe dosto ni jid aagal...

    Hiral

    જવાબ આપોકાઢી નાખો
  2. Hi,

    Very Interesting story...

    Keep it....




    Divyesh

    http://www.krutarth.com

    http://guj.krutarth.com

    http://eng.krutarth.com

    http://dreams.krutarth.com

    જવાબ આપોકાઢી નાખો