શુક્રવાર, 27 નવેમ્બર, 2009

અનય

આજે અનયનો જન્મદિવસ છે. આજથી ત્રણ વર્ષ પહેલાં મારી પુત્રિ પંક્તિએ ઓકલેન્ડ, ન્યુઝીલેન્ડ ખાતે માતૃત્વ પ્રાપ્ત કર્યુ. (27, નવે. ૨૦૦૬)  અનય અવતર્યો. હજારો માઇલ દૂર હોવા છત્ત્તાં, હૃદયમાં અજબ પ્રકારના આનંદની અનુભૂતિ થતી હતી. એ ઊર્મિઓને શબ્દોમાં ઉતારવાનો એક પ્રયત્ન....
( થોડા શબ્દોનો પરિચય આપવો જરૂરી લાગે છે. કલકલ =પંક્તિનું લાડનું નામ. અમિત-મંજરી= અનયના દાદા-દાદી, તપન=પપ્પા., વિરલ=કાકા.)


અનય
નાનકડી પંક્તિ, પરિણય,પ્રણય
પાંગરે પારણે કલકલ અનય

રવિકિરણે વસંતે મંદ મલય
ખિલે ફુલકુસુમિત સદા અનય

અષાઢ ઝરમરે પ્રફુલ્લિત ધરા
અમિતમંજરી પ્રેમ પલ્લવિત અનય

તપન વિરલ કરકમલ મય
તરલ સરલ અમર અનય
 28/11/2006.

શુક્રવાર, 20 નવેમ્બર, 2009

મારી પ્રથમ વાર્તા.


( આ વાર્તા મારા કોલેજકાળ દરમ્યાન (1972) માં લખાઇ હતી. ત્યાર બાદ વાર્તામાસિક “ચાંદની”ના જાન્યુ., 1975ના અંકમાં છપાઈ હતી. એ જ સ્વરૂપે, કશા ફેરફાર વિના અહીં મુકી છે. આથી 37 વર્ષનો ગાળો ભાવકને ઊડીને આંખે વળગે તે સ્વાભાવિક છે.)

પત્તાંનો મહેલ


મેસમાંથી આવી જોષીએ રૂમ ખોલી, લાઇટ કરી. વરિયાળીથી ભરેલ મૂઠો ટેબલ પર ઠાલવ્યો. ખુરશી ખેંચી બેઠો. ટેબલની ધાર પર પગ ગોઠવી, પાછલા પાયા પર ખુરશી ઝૂલાવતાં ઝૂલાવતાં થોડી વરિયાળી હાથમાં લઈ સાફ કરવામાં ધ્યાન પરોવ્યું.

‘ઓ.પી.ડી.નો રીપોર્ટ તૈયાર કરવાનો છે. આ વખતે લેટ સબમીટ થશે તો ડૉ. પટેલ ધૂળ કાઢી નાખશે. ગયે વખતે તો બા’નાં કાઢી છટકી જવાયું હતું. કાલે પાછો ‘ઑપરેશન ડે’ છે. એટલે આખો દિવસ રીપોર્ટ લખવાનો તો ટાઇમ જ મળવાનો નહિ. ચાલ, જીવ !’ બબડતાં ટેબલ પરથી પગ નીચે ઉતાર્યા, ખાનામાંથી રીપોર્ટ હાથમાં લઈ ટેબલલેમ્પ એડજસ્ટ કર્યો.

‘હમ્મ્મ્મ્મ, નરગીસ સાલી આવી નહિ – માળીએ ઝાલો આપ્યો! સાંજ આખી રૂઇન થઇ ગઇ! દોઢ કલાક ટૉકીઝ પર પગનું પાણી ઉતાર્યું તે નફામાં. કાલે વાત છે !’ પેનનું ઢાકણું ખોલતાં ખોલતાં વળી વિચારે ચઢ્યો. ‘પેલા અરૂણિયા સાથે આજ લાયબ્રેરીમાં ગપાટા મારતી હતી. નક્કી તેની સાથે જ ઊપડી હશે. અરૂણિયો પણ પાકો પોલસન છે ! જહન્નમમાં જાય બંન્ને !’ કહેતાં જોષીએ રીપોર્ટ લખવા પ્રત્યે મન વાળ્યું. ‘કેસ નંબર ... ?‘

‘ધત્તેરેકી ! પેનમાં શાહી તો છે નહિ ! દસ દિવસથી ખડિયો ખલાસ થઈ ગયો છે – સાલું દરરોજ ભૂલી જવાય છે ! હવે હમણાં તો રીપોર્ટ નહીં લખાય. બાજુમાં શાહ આવશે ત્યારે તેની પાસેથી શાહી લેવી પડશે. એ પણ પાકો અમદાવાદી છે, જાજરૂ જશે તો ય રૂમને લોક કરીને જશે ! ચાલ, કાલના ઑપરેશનની તૈયારી કરું. લાસ્ટ ટાઇમ તો બન્ને ટૉન્સિલનાં ઑપરેશન હતાં એટલે ગાડું ગબડી ગયું, પણ આ વખતે તો “એપેંડક્ટૉમી” છે, વાંચ્યા વગર નહિ ચાલે. વળી ડૉ. બાફના આવવાનો છે, પ્રીપેર્ડ નહિ થવાય તો લેફ્ટ રાઇટ લેશે!’

ઊભા થઇ કબાટમાંથી ‘બેઈલી’ લઈને ફરી ખુરશી પર બેઠો.

શુક્રવાર, 13 નવેમ્બર, 2009

લો કરી કવિતા.

લો કરી કવિતા.


આરવની એક ઉતરડ કરી,
આડી તેડી વહી સરિતા
હું મુજ મનમાં હરખાઉં,
લો કરી કવિતા.


છંદને શું વળગે ભૂર,
એવોર્ડ લાવે તે શૂરતા
માત્રામેળની એસીતેસી.
લો કરી કવિતા.


અલંકારને રાખો અળગા,
અછાંદસના પાડો પડઘા
બ્લોગની અટારીએથી
લો કરી કવિતા.


વિમોચનના સમારંભે,
વચેટિયાની વાટે વાટે
આભાસી કીર્તિ સહુ ગાંઠે,
લો કરી કવિતા.


                                          - ભજમન
                                         12/11/2009. .
( આરવ=શબ્દ )