શુક્રવાર, 26 એપ્રિલ, 2013

આપ શું વિચારો છો?-9 - જૂની વાર્તા નવો સંદર્ભ

(લાંબા  ગાળા ના વેકેશન પછી ફરી "વાર્તાલાપ" કાર્યાંવિત થાય છે. નવા રહેઠાણે સ્થિર થવામાં, લેપટોપનું રાજીનામું, નવા લેપટોપમાં ફરી ગુજરાતી ફોંટ અને લિપી ઉમેરવાની લમણાંઝીક તથા અન્ય સામાજિક વ્યસ્તતા વિ. કારણોસર વાર્તાલાપનું પ્રકાશન થતું ન હતું. હવેથી દર શુક્રવારે મળશું. - ભજમન)  

જૂની વાર્તા નવો સંદર્ભ

     

   
એક ગામમાં ભારતી નામની વિધવા સ્ત્રી રહેતી હતી. તેનો પતિ મોટું ખેતર છોડીને સ્વર્ગે સીધાવ્યો હતો. વિધવા બ્રાહ્મણી હોવાથી વૈધવ્યના પ્રતિકરૂપે માથેથી બધા વાળ ઉતરાવી નાખ્યા હતા, ભારતીબેનને ખેતીમાં ખાસ કાંઈ ગજ વાગે નહિ. ગામના દયાળુ કિસાનો તેનું ખેતર થોડું ખેડીને બાજરીનો પાક ઊતારી આપે એનાથી બ્રાહ્મણીનું વરસ પસાર થઇ જતું.

ગામમાં મૂકમોહન નામનો ફોજદાર હતો. પણ તે નામનો જ ફોજદાર હતો તેનું કાંઇ ઉપજતું નહિ. તેને કોઇ ગાંઠતું નહિ. પણ મૂકમોહન સોના શેઠાણીના ભારે ઓશિંગણ તળે હતો. સોના શેઠાણીનો પડ્યો બોલ ઝીલતો. શેઠ સાહેબ તો સોના-રૂપાનો દલ્લો છોડીને મોટે ગામતરે ગ્યાતા. સોના શેઠાણી મૂકમોહન ફોજદાર સાથે મળીને એકચક્રી શાસન ચલાવતા. બાજુના ગામમાં ચીના નામનો એક માથાભારે શખ્સ રહે. તેનો ધંધો જ ડફેરનો. તેના જેવા બીજા બે-ચાર રખડુઓની ટોળી જમાવી ગામ લોકોના ખેતરોમાં ભેલાણ કરી જાય. ચીના ટોળીની નજર ભારતીના નધણિયાતા જેવા ખેતર પર બગડી. તેણે ધીમે ધીમે ભારતીના ખેતરમાં ઘૂસણખોરી કરીને ખેતર પર કબજો જમાવવા માંડ્યો. ભારતી ગરીબ બીચારી વિધવા સ્ત્રી, મૂકમોહનને ફરિયાદ કરે પણ મૂકમોહમન “બધું ઠીક થઇ જશે” “હું ચીના સાથે વાત કરીશ” “તારું ખેતર સલામત છે” એમ બણગાં ફૂંકીને દિલાસો આપ્યા કરે. 

આ વાત અમને શા માટે યાદ આવી હશે તે આપ સહુને કહેવાની જરૂર ભાગ્યે જ રહે છે. ચીન ભારત સાથે હમેશ આડોડાઇ કરતું આવ્યું છે. આપણા વિશ્વશાંતિના અને શાંતિમય સહ-અસ્તિત્વના સિધ્ધાંતને તે આપણી નબળાઇ માને છે. આ એક કમનસીબ પણ સત્ય હકીકત છે. અને આપણે આ માન્યતા મટાડવા વિદેશ પૉલીસીમાં કોઇ મજબૂત ફેરફાર નથી કર્યા. 



1962 પહેલાં પણ ચીન આ જ રીતે ઉત્તર=પૂર્વની સરહદ પર અલગ અલગ સ્થળે ઘૂસણખોરી કરતું રહ્યું હતું. નેહરુ-મેનેન સરકાર આ બાબત પ્રત્યે આંખ આડા કાન કરતી રહી '62માં ભંડો ફુટ્યો ત્યારે 62000 ચો.કી.મી. જેટલો ભારતીય પ્રદેશ ચીને પચાવી પાડ્યો હતો. ટાંચાં હથિયારો અને અપૂરતી તૈયારી ને કારણે આપણે યુધ્ધમાં કારમો પરાજય પામ્યા. 



શું ફરી ઈતિહાસનું પુનરાવર્તન થઇ રહ્યું છે? 




હવે ચીને પેંતરો બદલ્યો છે. પીપલ્સ લીબરેશન આર્મી (PAL) ને નામે બેનામી લશ્કરના નેજા નીચે ઘૂસણખોરી શરૂ કરી છે. કમનસીબે કોંગ્રેસ સરકાર '62ની માનસિકતામાંથી બહાર નીકળી જ નથી. હજુ ઑલ ઇઝ વેલ નું ગાણું ગાયા કરે છે. વર્તમાનપત્રો અને ટીવી મિડીયાએ બે દિવસ પણ આ ગંભીર બાબતને ન ફાળવ્યા. કદાચ સમાચાર દાબી દેવામાં આવ્યા હશે. ઉપરથી કહેવાતા સીનાઇ તજજ્ઞો  ભારતીય હોવા છતાં ચીનની તરફેણ કરતા લેખો લખે! “ચીન અને ભારત વચ્ચે સ્વીકાર્ય સરહદ છે જ નહિ!” આ અર્ધસત્ય છે. ભારત 1947માં સ્વતંત્ર થયું ત્યારે મેકમોહન હરોળને ભારતીય સરહદ તરીકે માન્યતા આપી હતી. 1937માં આ બાબત બ્રીટન અને તિબેટ વચ્ચે કરાર થયા હતા. ચીન તો 1949માં સ્વતંત્ર થયું અને ત્યારે તિબેટને ભારતની “પકડમાંથી છોડાવવા” મોટો ભાઇ બનીને ઝઘડો વેચાતો લીધો અને ઘૂસણખોરી ચાલુ કરી.   

આપણું વિદેશ મંત્રાલય હજુ વાટાઘાટો અને વાતચીતનો સહારો લે છે. સરહદી ઝઘડા મંત્રણાઓથી ઊકેલાતા હોત તો લશ્કરની જરૂર જ શું છે? દૌલત બેગ ઑલ્ડીમાંથી સૈનિકો ખસેડવાનું તો દૂર, ચીને 65 જેટલી ભારતીય ચોકી હટાવવાનું લીસ્ટ ભારત સરકારને પકડાવી દીધું છે. 

આપ શું વિચારો છો?....... 



__________________photo: Indian express (AP)

5 ટિપ્પણીઓ:

  1. ભાઈ સાહેબ....
    ગમ્યું.ખૂબ ગમ્યું.

    સરસ લખું છે.સરસ લખો છો.સાદું,સહજ,સ્પષ્ટ અને મુદ્દાસર....

    આ વખતે પણ ગમ્યું.
    હવે નવા ઘરમાં નવું વિચારી લખતા થયા.શરું કર્યું.ગમ્યું.નવા ઘર માટે અભિનંદન.

    જવાબ આપોકાઢી નાખો
  2. તમે લખ્યું છે તે બહુ સુંદર છે. ટિપ્પણી ગુજરાતીમાં લખવા માટે જો સગવડ રાખી હોત તો વધારે સારું રહેત.

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. ગાંધીસાહેબ,વાર્તાલાપમાં ભાગ લેવા બદલ આભાર. આપનું સુચન સારું છે પણ બ્લોગસ્પોટ પર મને ક્યાંય વર્ડપ્રેસ જેવી આ સગવડ મળી નહિ. બીજા બ્લોગર્સ ની તપાસ કરી જોઇશ.આભાર. આવતા રહેશો.

      કાઢી નાખો
  3. Always I love to read yr Vartalap.......... every time it is touching.

    Appreciated >>>>>>>>>>>>>>>>>

    -Raushabh Chhatrapati

    જવાબ આપોકાઢી નાખો