શુક્રવાર, 28 ઑક્ટોબર, 2016

ભજમનનાં ભોળકણાં - 24 સહજીવન

એક્વીસમી સદી હવે  યૌવનને ટકોરા મારતી સત્તરમા વર્ષમાં પ્રવેશ કરશે. ત્યારે દમ્પતી અને દામ્પત્ય જીવન શબ્દોની વ્યાખ્યા બદલવી પડે. હું હવે દામ્પત્ય ને બદલે "સહજીવન" શબ્દ વાપરવાનું પસંદ કરું. અહિં મારા વિચારોને શબ્દદેહ આપવાનો પ્રયત્ન કર્યો છે.   





સહજીવન

સહજીવન એમ ક્યાં  છે સહજ?  
સાથ નિભાવવો શું એ જ ફરજ?
ના, એ માગે ઉષ્માસભર દિલ
ને પરસ્પરની ગહન સમજ
                       સહજીવન એમ ક્યાં  છે સહજ?  

ક્યારેક દિલ દુ:ખાય છે
ક્યારેક સહચર રીસાય છે
પણ એ પળમાં વીસરાય છે!
બસ એજ અજબ અચરજ.
                     સહજીવન એમ ક્યાં  છે સહજ?  

એક આલાપે પંચમ તરજ
તો સાથી છેડે ષડજ
દિલરૂબાનો આ બેસૂરો નાદ
સુરમય કરે પ્રેમનો એક ગજ
                     સહજીવન એમ ક્યાં  છે સહજ?  
  
સહજીવનના તાણાવાણા અનેક રંગે સજ
અતૂટ વિશ્વાસની તેમાં મહેકતી પરાગ રજ
પ્રેમની સૂરાવલીઓ જો થાય એકરસ
તો જીવનની સરગમ રેલાવે મધુર પરજ    
                     બસ સહજીવન એમ જ છે સહજ!
-ભજમન

પરજ - શાસ્ત્રીય સંગીતનો એક રાગ 
24/10/2016 
Image: courtesy Google images  

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો