શુક્રવાર, 24 જુલાઈ, 2015

હાલોને ફરી ક્લિક કરીએ - ભજમનનાં ભોળકણાં-21

વાર્ધક્યના વહાણમાં સફર કરતા મારા જેવા યુવાનો ને વર્તમાન યુગમાં ફરી જુવાની જીવવાની તમન્ના જાગે. તો આવું કઈંક વિચારે.....................    હાલોને ફરી ક્લિક કરીએ 

વાસંતી વાયરાએ ફેલાતો ફૂલોનો પમરાટ
કુમળી કળીઓની છેડખાની કરતા ભમરાનો ગભરાટ
હાલોને ફરી ક્લિક કરીએ.              

ગુપચુપ ગુપચુપ કૉલેજમાંથી બંક મારીને મેટિનીની મજા
ગુસપુસ ગુસપુસ પાછલી બેંચે પ્રોફેસરની પટ્ટી પાડવાની મજા
કાગળનાં બલૂન બનાવી બૉબ્ડહેર વાળી પર ફેંકવાની મજા  
હાલોને ફરી ક્લિક કરીએ.              

પેલાં પારેવાં ચાંચમાં ચાંચ પરોવી કરતાં કેવો ઘુઘવાટ!
એસએમએસ પર એસએમએસ, જવાબ ન મળવાનો ધૂંધવાટ
રાતના ઉજાગરા, લાલ ઘૂમ આંખે, પેપર લખવાનો રઘવાટ
હાલોને ફરી ક્લિક કરીએ.               

ઝરમર વરસાદમાં બાઈક પર પ્રિયપાત્રને બેસાડી ફરવાની મજા
ફરફરાટ, ધમધમાટ ચાલતી બાઈકને વારંવાર બ્રેક મારવાની મજા
રાતના મોડે સુધી સેલ પર મીઠી મીઠી વાત કરવાની મજા
હાલોને ફરી ક્લિક કરીએ.

ખબર હતી જુવાની જવાની છે?  હતી નકરી નફિકરાઈ
ચાર દાડાની ચાંદની ચપટી વાગતાં વિખરાઈ  
એ ધીંગામસ્તી, એ અલ્લડતા, એ દોસ્તી, એ અવળચંડાઈ    
હાલોને ફરી ક્લિક કરીએ.


                                                                          ભજમન નાણાવટી (30-4-2015)

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો