શુક્રવાર, 10 જુલાઈ, 2015

સાત વર્ષ, પાંચ મહિના, ચાર દિવસ, ભાગ -1

(ઘણા વખતે મારી કલ્પનાને પાંખો ફૂટી અને સરી પડ્યું એક પીચ્છ વાર્તારૂપે! પ્રસ્તુત છે આ તદ્દન નવી વાર્તા. કથાનક જરા લાંબું હોવાથી ભાવકની સુવિધા માટે તેને બે ભાગમાં પ્રસ્તુત કર્યું છે. આજે પહેલા ભાગનો આનંદ માણો. આવતા શુક્રવારે બીજો અને અંતિમ ભાગ પીરસીશ.–ભજમન )

સાત વર્ષ, પાંચ મહિના, ચાર દિવસ,

એક દિવસ ઑફિસના પાર્કિંગમાંથી સમય હોંડા સીટી કાર લઈને બહાર નીકળતાં મેન રોડના ટ્રાફિકમાં જગ્યા થાય તેની રાહ જોતો હતો. ત્યાં અચાનક એક યુવતિ તેની કારની સામે આવીને ઊભી રહી. થોડીવાર કારનું નિરીક્ષણ કરી ગૉગલ્સ ઉતારી સમય સામે ધારીને જોયું અને ફરી ગૉગલ્સ ચઢાવી આછું સ્મિત ફરકાવી ભીડમાં અદ્રશ્ય થઈ ગઈ. સમય ચોંકી ગયો. આ  કમળનયની તો ન હોય! કારનો દરવાજો ખોલી તેની પાછળ જવા ઊતરતો હતો ત્યાં વૉચમેને આવી કાર ખસેડવા કહ્યું. સમય ગાડી ચાલુ કરી રસ્તા પર આવી ગયો. પણ વિચાર મગ્ન થઈ ગયો. શું એ તેનો ભ્રમ હતો? એ જ કમળની પાંખડી જેવી તેજસ્વી, તોફાની અણીયાળી આંખો! આટલાં વર્ષો થયાં તો પણ તેની યાદ મનમાંથી ખસતી નથી. એ છોકરી અચાનક અહિં ક્યાંથી ફૂટી નીકળી? જો એ કમળનયની હોય તો મને ઓળખી ન શકી? તો કારની સામે કેમ ઊભી રહી હતી? તેની નજર સામે સાત વર્ષ પહેલાંનો સમય તાદ્રશ્ય થઈ ગયો. 

હાઆ...શ!એંજિનીયરીંગના ફાઇનલ સેમેસ્ટરની પરીક્ષા આજે પૂરી થઈ. જાણે એક જન્મારો પૂર્ણ થયો. કેવું ખાલીખાલી લાગે છે! હૉસ્ટેલ પર જઈને હવે થોથાં ઉથલાવવાં નહિ પડે. સબમીશનનું ટેંશન, રાતના ઉજાગરા, મંથલી ટેસ્ટ આ બધામાંથી અંતે છુટકારો થયો. કેટલાં વર્ષોથી નવરાત્રી, દિવાળી કે હોળીના તહેવાર ક્યાં જતા રહેતા તે જાણ ન રહેતી. હા, ઉતરાણ પર જરા વાતાવરણ રંગીન બનતું. પરીક્ષાનો બોજ દૂર થતાં બધા જ વિદ્યાર્થીઓના ચહેરા પર છુટકારાનું હાસ્ય છલકાતું હતું.      

સમય આમ વિચાર મગ્ન હતો ત્યાં સામેથી રાજેશ આવ્યો.
અરે સમય! કૈસા ગયા પેપર? જોકે તને પૂછવાનો કોઈ અર્થ જ નથી. રેંક હોલ્ડરનું પેપર તો ટકાટક જ ગયું હોય ને!
ના રે, એવું કાંઈ નથી. રાબેતા મુજબ.સમયે જવાબ ટાળતાં કહ્યું.
ભાઉ, હમ તુમકો જાનતે હૈં ના. યુ આર એ ટોપર. તુમાલા કાય કાળજીચિંતા તો અમારા જેવાને કરવાની હોય.”  રાજેશ સબનીસની ભાષામાં હમેશ હિંદી, મરાઠી અંગ્રેજી અને ગુજરાતીની ભેળસેળ હોય.
આતા દેખ, પંદર દિવસ નંતર મારાં મૅરેજ છે. જયપુર જાન જવાની છે. તું એકા દિવસ વહેલો મુમ્બઈ આવી જાજે. તુમાલા જાનમાં નક્કી યેણાર. પત્રિકા તારા રૂમમાં આપી જઈશ.
એલા પણ તું મરાઠી અને છોકરી રાજસ્થાનની! કુછ હજમ નહિ હોતા.
એ પંચાત છોડ. મુલગી મરાઠી ચ આહે. આતા ટાઈમ નાહી. તું આવી જાજે. મારે આજે જ બરોડા એક્સપ્રેસમાં મુંબઈ ભાગવાનું છે. બધું પેકિંગ બાકી છે.કહેતાં તે ભાગ્યો.

વડોદરાના કલાભવનમાં મીકેનીકલ એંજિ. નો અભ્યાસક્રમ પતાવી, સામાન પેક કરી બીજે દિવસે  સમયે પણ ગાંધીનગરની પોતાના ઘરની વાટ પકડી.

જયપુર જવાની સમયની જરા પણ ઇચ્છા ન હતી પણ રાજેશનો અતિ આગ્રહ ભર્યો ફોન આવ્યો અને નાની બહેન સારણીના કહેવા મુજબ એ બહાને ગુલાબી શહેરની સેર થશે આથી એ મુમ્બઈથી જાનમાં સામેલ થયો.

સવારે જાન જયપુર પહોંચી અને સામૈયા પછી ઉતારે જઈ સ્વસ્થ થયા. ત્યાં ચા-નાસ્તાની પણ વ્યવસ્થા હતી. સમયને તો ગુલાબી શહેર જોવાની જલદી હતી. તેની જેવા બીજા બે-ત્રણ જાનૈયાને પણ શહેરમાં ફરવું હતું. કન્યા પક્ષ તરફથી તુરત જ એક કારની વ્યવસ્થા કરવામાં આવી અને એક જાણકારને પણ સાથે મોકલ્યો. જયપુરનાં જોવાલાયક સ્થળોની સેર કરીને બપોર પછી સમય  પહેરામણીની રસમ ટાણે પરત આવ્યો. તૈયાર થઈને સહુ માંડવે પહોંચ્યા.

મંડપમાં સામેની બાજુએ કન્યા પક્ષના લોકો બેઠા હતા. વચ્ચે માર્ગી-રાજેશની થનાર વધુ- બેઠી હતી. બાજુમાં એક સુંદર યુવતી બેઠી હતી. સમયની નજર તેની પર પડી અને તે યુવતીની નજર સમય પર પડી. સમયની આંખ તો ત્યાં જ ચોટી ગઈ હતી. બંનેની નજર સામસામે સ્થિર થઈ ગઈ. ન તેણીએ નજર હટાવી ન સમય હટાવી શક્યો. બંનેને સમયનું કે સ્થળનું કોઈ ભાન ન રહ્યું.   આસપાસની દુનિયા જાણે કે અદ્રશ્ય થઈ ગઈ. ધીમેથી યુવતિના વદન પર આછું સ્મિત ફરક્યું. બે વાર પાંપણો મટકાવી તેણે સસ્મિત નજર હટાવી લીધી. અને જાણે કશું બન્યું જ ના હોય તેમ કન્યાની સાથે વાતોમાં મશગૂલ થઈ ગઈ. ભગવાને નવરાશની પળોમાં તેનું ઘડતર કર્યું હશે તે વાત ચોક્કસ. સુગઠિત તન, સુડોળ યૌવન, આકર્ષક મુખારવિંદ, અપ્સરાસમ વર્ણ, અને તેની આંખો! જાણે કમળની પાંખડીઓને ચેતનવંતી બનાવીને ચહેરા પર લગાવી ન હોય તેવી ઘાટીલી, અણીયાળી, કાળી, કામણગારી તેજસ્વી પાણીદાર આંખો હતી તેની. સમય તો સુધબુધ ગુમાવી બેઠો હતો. તેણીની પ્રત્યેક હિલચાલ નિહાળ્યા કરતો હતો. તે યુવતી પણ થોડી થોડી વારે તીરછી નજર ફેંકીને સમયની હાજરીની નોંધ લીધા કરતી હતી. સમય મૂંઝવણમાં પડ્યો, કોણ હશે આ યુવતી? કન્યા પક્ષ તરફથી છે એ નક્કી. રાજેશને સાળી તો કોઈ નથી. તેથી માર્ગીની કોઈ બહેનપણી હશે? કે પછી તેના સગામાં હશે? બધાં મરાઠી ભાષા બોલતા હતા, એમાં પૂછવું કોને? રાજેશ તો સમ્બંધીઓ અને વિધિઓમાં એટલો બધો અટવાયેલો હતો કે તેને પૂછવું નકામું હતું.                   

રાત્રે સંગીત પછી વર પક્ષ અને કન્યા પક્ષના યુવક-યુવતીઓ  વચ્ચે અંતકડી ની રમત શરૂ થઈ. કમળનયનીએ પણ માર્ગીની બાજુમાં બેઠક જમાવી દીધી હતી. બધા વારાફરતી જૂનાં અને નવાં ગીતોની રમઝટ બોલાવતા હતા. આ દરમ્યાન  કમળનયનીની મારકણી નજર સમયને અવારનવાર ઘાયલ કરી જતી હતી. એવામાં કન્યા પક્ષને અક્ષરથી ગાવાનું આવ્યું અને કમળનયનીએ એકદમ સુરીલા કંઠે ફિલ્મ હમરાહીનું રફી અને મુબારક બેગમે ગાયેલું મુજકો અપને ગલે લગાલો, ઓ મેરે હમરાહીગીત ગાવાનું શરૂ કર્યું. બધા એકદમ શાંત થઈને મધુર અવાજને માણવા લાગ્યા. પહેલી લાઈન પૂરી થઈ એટલે ચારે બાજુથી આખું ગીત ગાવાના પોકાર પડવા લાગ્યા. ઍક્શન, ઍક્શન..ની બૂમો પણ આવી. આથી કમળનયનીએ ઊભા થઈ ફરીથી અભિનય સાથે આખું ગીત શરૂ કર્યું. સમયને લાગ્યું કે આ ગીત કદાચ પોતાને સમ્બોધીને જ ગવાય છે. હાથના ઇશારા પણ તેને પોતાની તરફ થતા હોય તેમ લાગ્યું. ગીત પુરૂં થતાં જ તાળીઓ પડવા લાગી. કમળનયનીએ હાથ જોડીને અભિવાદનનો સ્વીકાર કર્યો અને એક સૂચક નજર સમય તરફ ફેંકીને માર્ગીને કાનમાં કશુંક કહીને ઘરમાં  ગઈ.
     
સમયને થયું કે તે કમળનયની યુવતી ચોક્કસ મને કાઈંક ઇશારો કરીને ગઈ છે. આથી થોડીવાર પછી હિંમત કરીને તે પણ યુવતી જે તરફ ગઈ હતી તે તરફ કન્યા પક્ષના આવાસમાં પ્રવેશ્યો. મોટો હોલ હતો એક બાજુ કીચન જેવું લાગ્યું ત્યાં કોઈ ન હતું એક બેડરૂમનો દરવાજો ખુલ્લો હતો પણ અંદર બધો સામાન વેરવિખેર પડ્યો હતો. બીજા એક રૂમને તાળું હતું. એક પેસેજ હતો તેમાં આગળ વધ્યો તો એક બાજુ ટોયલેટ હતું અને બીજી બાજુ ઉપર જવા માટે દાદર હતો. અચકાતાં અચકાતાં તે દાદર ચઢવા લાગ્યો. દિલ તો રાજધાનીની ઝડપે ધબકારા મારતું હતું. દાદરનાં સત્તર પગથિયાં ચઢતાં તેને લાગ્યું કે તે ગીરનારમાં દાતાર સુધી ચઢી ગયો છે. ઉપરના પેસેજમાં જઈને ઊભો રહ્યો. ત્યાં એક દરવાજાની આડશમાંથી બહાર નીકળીને કમળનયની કેડે એક હાથ મૂકી, ચિત્તાકર્ષક પોઝ આપીને મીઠું તોફાની સ્મિત છલકાવતી, સમયની આંખમાં આંખ પરોવતી ઊભી રહી. સમયના અંગમાં એક અજબ પ્રકારની ધ્રુજારી પ્રસરી ગઈ. આ છોકરીમાં શું જાદુ છે કે તેને આમ સ્તબ્ધ બનાવી દે છે! બંને સામસામે નજર મેળવીને કેટલી વાર સુધી ઊભા રહ્યા તેનું ભાન સમયને ન રહ્યું. શું બોલવું? શું કરવું? મગજ જાણે વિચારશૂન્ય બની ગયું હતું. અચાનક સમયના મનમાં અને તનમાં શું જોશ ઊભરાયું કે તે એકદમ આગળ વધ્યો અને કમળનયનીને આલિંગનમાં સમાવી લીધી. કદાચ અંતકડીના ગીતની અસર હશે! યુવતીએ કોઈ વિરોધ વિના સમયની છાતીમાં પોતાનું મોં છુપાવી દીધું અને બંને હાથ સમયની પીઠ ફરતે વીંટાળી દીધા. ઉભયના શ્વાસ ધમનીની જેમ ચાલતા હતા. થોડીવારે યુવતીએ મોં સહેજ ઊંચું કર્યું. સમયે તેના ભાલ પ્રદેશ પર એક ચુંબન કર્યું. યુવતીએ મોં વધારે ઊંચું કરી સમયની આંખમાં આંખ મેળવી. સમય તેની તોફાની આંખના ઊંડાણમાં જાણે ખોવાઈ ગયો. તેણે ધીરેથી પોતાના હોઠ યુવતીના હોઠ પર મૂક્યા. સામે પણ હોઠ કળીની જેમ ઊઘડ્યા અને એક ગાઢા ચુંબનમાં બંનેના હોઠ જકડાયા. આમને આમ કેટલી ક્ષણો, પળો, યુગો વીતી ગયા તેનું સમયને ભાન ન હતું. અચાનક યુવતીએ સમયને હડસેલો માર્યો અને કોઈ આવી જશેકહી ઝડપથી દાદરો ઊતરી ગઈ.
                   
સમય મુર્તિવંત ત્યાં જ જડાઈ ગયો. તેના દિલે એક ઊછાળો માર્યો. અરે! આ તો ગુજરાતી લાગે છે! તેનું હૈયું આનંદથી હિલોળા લેવા લાગ્યું. અંતાક્ષરીમાં જોડાવાનો મુડ ન હતો આથી ઉતારે જઈને તાજા જ અનુભવને વાગોળતો સૂઈ ગયો.

બીજો દિવસ, લગ્નનો દિવસ અને જયપુરમાં છેલ્લો દિવસ. સવારથી તે કોઈને કોઈ બહાનું શોધીને તે યુવતિને મળવાનો પ્રયત્ન કરતો રહ્યો પરંતુ તક ન મળી. રિસેપ્શન પતાવી મોડી રાતની ફ્લાઈટમાં તે મુમ્બઈ ભેગો થઈ ગયો કેમકે ટાટામાંથી મેડિકલ ચેક-અપ માટેનો કોલ આવ્યો હતો. સમયને લાગ્યું જયપુરનું પ્રકરણ ત્યારે જ પૂરું થઈ ગયું. પણ ના, કમળનયની જેવી જ લાગતી તે યુવતી મુમ્બઈમાં ક્યાંથી ફુટી નીકળી? આખી રાત સમય પડખાં ઘસતો રહ્યો. 
  
થોડા દિવસો બાદ બાંદરાના એક મૉલમાંથી બહાર નીકળીને સમય થોડીવાર ઊભો હતો. મગજમાં હજી કારની સામે આવેલી યુવતિનું દ્ગશ્ય મમળાવતો હતો ત્યાં...
કહેવાય છે કે સમય કોઈની રાહ નથી જોતો. તો તમે કોની રાહ જુવો છો, મી. સમય મહેતા?” અચાનક ઘંટડીના રણકાર જેવો મધુર અવાજ પાછળથી સંભળાતાં સમય ચમકીને ફર્યો. અને ફરતાંવેંત તે સ્તબ્ધ બની ગયો. જીંસ અને લૂઝ ટોપ પહેરેલી, હાથમાં ગૉગલ્સ ફેરવતી એક અત્યંત સ્વરૂપવાન યુવતી મરક મરક હસતી ઊભી હતી. 
                                                                                            (બીજો અને અંતિમ ભાગ આવતા શુક્રવારે...)
     

2 ટિપ્પણીઓ:

  1. niranjan nanavaty
    To Bhajman Nanavaty Jul 11 at 9:42 PM
    very well structured narrative. Only few days back, I read that two childhood friends suddenly come across each other and after tane sambhre re etc tiedthe knot. Then I seriously remembered you. It just occurred to me that this is a story or a poem material. and understood how authors get inspired. inspiration without expression makes one feel impotent. You have tackled almost that topic.

    જવાબ આપોકાઢી નાખો
  2. Raushabh Chhatrapati
    To Bhajman Nanavaty Jul 11 at 2:32 PM

    Congrats Dear..........very interesting starting ----------------what next ?

    જવાબ આપોકાઢી નાખો