શુક્રવાર, 11 એપ્રિલ, 2014

ચાલો અરમાનો ના ચુરા કરીએ

આજે એક અતિથી કૃતિનો રસાસ્વાદ માણીએ. શાળાજીવનમાં કવિતાનું રસદર્શન કરવાનો અભ્યાસ થતો હતો. શાળા છોડ્યા પછીનો આ મારો પ્રથમ પ્રયાસ છે. અત્રે પ્રસ્તુત રચનાનો મારી સમજ પ્રમાણે અર્થવિસ્તાર કર્યો છે. આથી સુજ્ઞ જનો ની ટીકા, ટિપ્પણી અને સુચનો આવકાર્ય છે. આ રચના વાર્તાલાપમાં પ્રસિધ્ધ કરવાની અનુમતિ બદલ શ્રી નિરુપમ નાણાવટીનો હું આભારી છું. 

વ્યવસાયે લબ્ધપ્રતિષ્ઠ વકિલ એવા શ્રી નિરુપમ નાણાવટીની આ રચના છે. તેઓશ્રીએ વટથી ઉચ્ચ ન્યાયાલયમાં વકિલાત કરીને, ન ફક્ત અમદાવાદમાં, પણ સમગ્ર ગુજરાતમાં નામના મેળવી છે અને પિતાનો વારસો જાળવી રાખ્યો છે. અને હવે નિવૃત્તિની વયે પરદાદાના વારસાને વરી વાગ્ દેવી ની આરાધના શરૂ કરી છે. સાદી અને સરળ ભાષામાં લખાયેલી તેમની કવિતાઓ ભારોભાર અર્થસભર હોય છે. ભાઈશ્રી નિરુપમ પોતાને કવિ નથી ગણતા. તેઓ કહે છે;

હું ક્યાં કોઈ કવિતા લખું છું
હૃદય સ્પંદનો ટપકાવું છું
………

તત્વ હીન શબ્દો ના જોડકણા 
                     હું તેને કવિતા કહેતા શરમાઉં છું.  આવો, એમની રચના જોઈએ. 
ચાલો અરમાનો ના ચુરા કરીએ

એ રીતે આયખા ને પૂરાં કરીએ

નિર્બળતા ક્યાં સુધી અનુભવીએ

હવે જાત સાથે જ શુરા થઈએ

મીઠા બોલ કેટલા હવે બોલીયે 

થોડા આપણે પણ તુરા થઈએ

    મસ્તી માં મન ક્યાં સુધી પરોવીએ 

   શું થયું એમાં ક્યારેક અધૂરા રહીએ

લાલ પીળા રંગ કેટલા ચીતરીએ

એમને ગમે તો રંગ ભૂરા રંગીએ. 

                                                                         નિરુપમ નાણાવટી


આ ગઝલમાં કવિએ જીવનના ભાતિગળ રંગોનું નિરુપણ કર્યું છે. પ્રથમ દ્રષ્ટિએ લાગે કે કવિ ગઝલની શરુઆત નિરાશાવાદી સુર સાથે કરે છે. જીવનમાં અરમાનો કોણે નથી સેવ્યાં? આપણે બધાં અનેક તરહનાં સપનાં જોતાં આવ્યાં છીએ. પરંતુ બધાનાં સપના સાકાર નથી થતાં. સપનાં સાકાર ન થાય એટલે નિરાશા છવાય જાય. કવિ કહે છે નિરાશ થવાની જરૂર નથી. સપનાંઓ જોવાના બંધ કરી દો. પછી ન રહે અરમાન, ન રહે નિરાશા. જીવન ને નષ્ટ નથી કરવાનું જીંદગી જીવવાની છે. ઝઝુમવાનું છે.

પણ કેવી રીતે? તો કવિ બીજા શેરમાં તેનો ઉપાય બતાવે છે. નિરાશાને, નિર્બળતાને ખંખેરી નાખવાનું કહે છે. મનને મજબૂત કરવાનું છે. ઝંઝાવાતો સામે લડવા માટે પહેલાં જાતને તૈયાર કરવાની છે. “યા હોમ કરીને પડો ફતેહ છે આગે “ આમ કવિ જીવનમાં આવતી આડખીલીઓ અને વિઘ્નો નો સામનો કરવાની પ્રેરણા આપે છે.

નિર્બળતાના દોરમાં બહુવાર લોકોની હા માં હા મેળવી, ખોટી પ્રશસ્તિનાં ગુણગાન ગાયાં, હવે સત્યને સાદૃશ કરવાનો સમય આવી ગયો છે. પરંતુ અહિં અભદ્ર્તાનું આચરણ નથી કરવાનું, કડવી વાણી નથી ઉચ્ચારવાની, કવિની ખાનદાની તેમ કરવાની ના પાડે છે. વાણીમાં કટુતા નહિ પણ રુક્ષતા લાવવાનો -તુરા થવાનો- અનુરોધ કરે છે.

સૃષ્ટિમાં સર્વે સર્વશ્રેષ્ઠ નથી  Nobody is perfect.  કદાચ જીવનમાં ક્યાંક અધુરપ રહી ગઇ, બધાં સપનાં સાકાર ન થયાં, તો શું થયું? અહિં કવિ અમૃત ઘાયલ ની એક રચના યાદ આવે છે
વલણ એકસરખું રાખું છું આશા નિરાશામાં
બરાબર ભાગ લઉં છું જિંદગીના સૌ તમાશામાં
સદા જીતું છું એવું કૈં નથી, હારું છું બહુધા, પણ
નથી હું હારને પલટાવવા દેતો હતાશામાં

આપણે જીંદગીના ચિત્રપટ પર નોખનોખા રંગોની પૂરણી કરી, અનેક કાળાંધોળાં કર્યાં, ક્યારેક દોસ્તીનો રંગ તો ક્યારેક દુશ્મનીનો, ક્યારેક સ્નેહ, તો ક્યારેક ક્લેશ, આખું જીવન આમ વિતાવ્યું, પણ હવે બસ. બહુ થયું. હવે જીવનને ભુરા રંગે રંગીએ. રચનાની અ અંતિમ પંક્તિઓમાં કવિએ કમાલ કરી છે. કવિએ અન્ય કોઇ નહિ અને ભુરો રંગ જ કેમ પસંદ કર્યો?! આકાશનો રંગ ભુરો છે, અફાટ મહાસાગરનો રંગ પણ ભુરો છે. આ રંગ ઊંડાણનો, શાંતિ અને સુમેળ (peace and harmony) નો સુચક છે. આધ્યાત્મિક રંગે રંગાઈને પરમ શાંતિ અને શાશ્વત ચેતના ની અનુભૂતિ કરવા માગે છે. આધ્યાત્મિક કેમ? કવિએ ચાતુર્યથી એમને ગમે શબ્દ વાપર્યો છે! એમને એટલે ઈશ્વરની પસંદગી પ્રમાણે જીવન સમર્પિત કરવાનું છે. 


1 ટિપ્પણી:

 1. By email from
  Suresh Jani  લાલ પીળા રંગ કેટલા ચીતરીએ

  એમને ગમે તો રંગ ભૂરા રંગીએ.
  ------------------------------------------------------

  બહોત ખુબ .... માશાલ્લા

  'બની આઝાદ' http://gadyasoor.wordpress.com/bani_azad/

  જવાબ આપોકાઢી નાખો