શુક્રવાર, 2 ઑગસ્ટ, 2013

જ્ઞાન સાથે ગમ્મત-3 પ્રોફે. અરવિંદ ગુપ્તા

ગત બે શુક્રવારથી વાર્તાલાપમાં આપણે જ્ઞાન સાથે ગમ્મત” શ્રેણીમાં રદ્દીમાંથી શૈક્ષણિક રમકડાં  કેમ બનાવી શકાય તેનાં ઉદાહરણ જોયાં. આવી અસંખ્ય-700થી અધિક-રચનાત્મક પ્રક્રિયાના વિશ્વકર્માને આજે આપણે ઓળખીએં. આ અદ્ ભૂત વૈજ્ઞાનિક ઈજનેર છે પ્રોફેસર અરવિંદ ગુપ્તા.

છાપાની પસ્તીમાંથી બનાવી કેપ! 
કેરળ રાજ્યને બાદ કરતાં ભારતનાં બધાં જ રાજ્યોમાં શિક્ષણ ક્ષેત્રે ઊણપ પ્રવર્તે છે. આપણી પાસે શિક્ષણ-શાસ્ત્રીઓનો તોટો નથી પરંતુ આ સર્વે એક આદર્શ શિક્ષણ વ્યવસ્થા ઘડી કાઢવામાં અસફળ રહ્યા છે. હા. શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓ બીલાડીના ટોપની જેમ ફુટી નીકળી છે. કદાચ અક્ષરજ્ઞાનનું પ્રમાણ પણ વધ્યું હશે. પણ શિક્ષણની ગુણવત્તા કથળી છે તે નિર્વિવાદ છે. આપણા દેશમાં સારાં પુસ્તકો અને મહાન શિક્ષકો મેળવવવા માટે  બહુ  થોડા લોકો નસીબદાર હોય છે. અને તેમાં પણ વિજ્ઞાનનાં સારાં પુસ્તકો હિંદી અને અન્ય પ્રાદેશિક ભાષાઓમાં પ્રાપ્ય થવાં વધારે મુશ્કેલ હોય છે. ખાસ કરીને જે દશા આપણી શાળાઓમાં વિજ્ઞાનની પ્રયોગશાળાઓ અને કોમ્પ્યુટરની લબ્ધતાની છે તે વિચાર માગી લે છે. નાના પાયે છુટક છુટક કર્મનિષ્ઠ શિક્ષકો દેશમાં ખૂણે ખાંચરે વ્યક્તિગત રીતે પોતાનો ફાળો આપી રહ્યા છે. ઉ.ત. ગુજરાતમાં શિ.રાકેશ પટેલ, ભાવેશ પંડ્યા કે નિખિલ ગોસ્વામી. આજે આપણે એક આવા જ કર્મનિષ્ઠ, સમર્પિત, અન્વેષક ઈજનેર પ્રાધ્યાપકનો પરિચય કરવાનો છે.     

જ્યારે IIT કાનપુરની ઈલેક્ટ્રીકલ એંજિનીયરીંગ શાખાના એક ઈજનેર, અરવિંદ ગુપ્તાએ ટેલ્કોની નોકરી છોડી ત્યારે તેની માતાએ તેનો બચાવ કરતાં કહ્યું, ”સરસ. હવે તે તેની જીંદગીમાં કોઈ ઉમદા કાર્ય કરશે.”  આ ભવિષ્યવાણી એ સ્ત્રીની હતી કે જેને ક્યારે પણ જીંદગીમાં વ્યવસ્થિત શિક્ષણ મળ્યું ન હતું, પરંતુ પોતાનાં બાળકો ઉમદા શિક્ષણ મેળવે તેની કાળજી લીધી હતી.


    દિવાસળી અને વાલ્વ-ટ્યુબમાંથી બનાવેલ
 બેંઝીન મોડેલ 
અરવિંદ ગુપ્તા 1970 માં IIT કાનપુરના વિદ્યાર્થી તરીકે સમાજવાદી વિચારસરણીના ચાહક બન્યા પણ ફોગટ વાણી વિલાસથી દૂર રહ્યા; ઠાલા આડંબરી પ્રવચનો કરતાં તે નાના પાયાનાં રચનાત્મક કાર્યોમાં વધારે શ્રદ્ધા ધરાવતા હતા. ગુપ્તાએ પોતાની સમાજસેવાની શરૂઆત હૉસ્ટેલની કેંટીનના કર્મચારીઓ કે જેને વિધિવત શિક્ષણની તક મળી ન હતી, તેને ભણાવવાથી કરી. 



1978માં તેણે મધ્ય પ્રદેશમાં હોશંગાબાદ વિજ્ઞાન શિક્ષા કાર્યશાળામાં ભાગ લીધો. ત્યાં તેમણે સ્થાનિક રીતે ઉપલબ્ધ પદાર્થો તેમજ સામાન્ય રીતે કચરો તરીકે ફેંકવામાં આવતી વસ્તુઓનો ઉપયોગ કરી સાદાં રમકડાં અને શૈક્ષણિક પ્રયોગનાં સાધનો બનાવવાં તેવો વિચાર કર્યો. તેમણે જાણ્યું કે આ સરળ રમકડાં બાળકોને આકર્ષે છે અને ગુપ્તાએ વિજ્ઞાનને લોકપ્રિય બનાવવાની આ ઝૂંબેશમાં તે વિચારને સીમાચિન્હ રૂપે સ્થાપ્યો. તેના પહેલા પુસ્તક.- "Matchstick Models and other Science Experiments"- નો અનુવાદ 12 ભાષાઓમાં થયો. ગુપ્તાની વેબસાઈટ પર અને YouTube પર અનેક ભાષાઓમાં કામચલાઉ રમકડાં બનાવવા માટેનાં સૂચનો સહિતની સેંકડો ટૂંકી વિડિઓ ક્લિપ્સ છે જે તે કૉપિરાઇટનાં બંધનો વિના મુક્ત રીતે ઉપલબ્ધ બનાવે છે. આવી એક ક્લિપનો આસ્વાદ આપણે ગત શુક્રવારે  “જ્ઞાન સાથે ગમ્મત-2 સ્વચાલિત ફુવારો”  માં માણ્યો.

છેલ્લા લગભગ 30 વર્ષથી અરવિંદ ગુપ્તા પોતાનો વિજ્ઞાન પ્રત્યેનો પ્રેમ અને શિક્ષા ભારતનાં બાળકો સુધી પહોંચાડે છે. જેની હમેશા આપણને તંગી અનુભવી છે તેવા તે એક આદર્શ સ્વપ્નસેવી શિક્ષક છે. આશરે 3000 શાળાઓનાં જ્ઞાનભુખ્યાં બાળકોને વિજ્ઞાનના આકર્ષક પ્રયોગો બતાવતાં તેણે સમગ્ર ભારતમાં પ્રવાસ ખેડ્યો. આ પ્રયોગોના પાયામાં રોજિંદા કચરાનો ઉપયોગ ગુપ્તાજીએ કર્યો છે તે જાણીને બાળકોની કલ્પના શક્તિને નવી દિશા મળતી.

“શિક્ષણની બધી જ સામગ્રી હાથ કારીગરીની હોય છે. વિજ્ઞાન ભણવા માટે કૃત્રિમ સાધનો જરૂરી નથી એ બાળકોને સમજ પડે તે મહત્વનું છે. જેને સામાન્ય રીતે નકામો કચરો ગણીએં છીએં તે તમને વિજ્ઞાન શિખવામાં મદદરૂપ થઇ શકે છે તે પણ એક જાતનું જ્ઞાન છે.” અરવિંદ ગુપ્તા કહે છે. ટાંચાં સાધનો ધરાવતા તેના વિદ્યાર્થીઓને માટે આ એક નમુનારૂપ શિખ હતી. રોજ-બ-રોજની વપરાશની વસ્તુઓ જેવી કે બૉલ-પેન, પેંસિલ, રબરનાં સ્લીપર, ઠંડા પીણાંનાં ખાલી કેન વિ. જે કાંઇ હાથમાં આવે તેનો ઉપયોગ કરીને પદાર્થ વિજ્ઞાનના પ્રકાશ કે અવાજના સિદ્ધાંતો સમજાવતા જોઈને વિદ્યાર્થીઓ અજાયબી પામતા.

અરવિંદ ગુપ્તાનું વિજ્ઞાન પ્રત્યેનું સમર્પણ, ખંતઉત્સાહ અને તેજ્સ્વીતા ની કદર યુનેસ્કો, યુનિસેફ આંતરરાષ્ટ્રીય રમકડાં સંશોધન સંઘ, બોસ્ટન  સાયંસ સેંટર, વૉલ્ટ ડીઝની ઇમેજિનીયરીંગ એંડ રીસર્ચ ઇંસ્ટીટ્યુટ  જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ કરી. નેશનલ એસોસીએશન ફોર ધ બ્લાઈંડ સંસ્થાએ અંધ બાળકો માટે ખાસ શૈક્ષણિક રમતોની રચના કરવા માટે “રૂચિ રામ એવૉર્ડ આપ્યો છે.      

વિજ્ઞાનને લોકપ્રિય બનાવવા માટે અને નાનાં ભૂલકાંઓ માટે વિજ્ઞાનનાં શૈક્ષણિક સાધનો ડીઝાઈન કરવા માટે તેને અનેક એવૉર્ડ મળેલા છે.
  • ·         બાળકોમાં વિજ્ઞાનને લોકપ્રિય બનાવવા માટેનો રાષ્ટ્રીય એવોર્ડ – 1988
  • ·         IIT કાનપુર તરફથી વિલક્શણ એલ્યુમિનસ એવોર્ડ – 2001    
  • ·         TWAS(The World Academy of Sciences) તરફથી પબ્લીક અંડરસ્ટેંડિંગ અને સાયંસ પોપ્યુલરાઇઝેશન એવોર્ડ – 2010


હાલમાં તેઓ પૂનાની IUCAA-Inter-University Centre for Astronomy and Astrophysics ના બાળ વિજ્ઞાન કેંદ્રમાં પોતાની સેવા આપે છે.
‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌---------------------- 
આભાર દર્શન: આ લેખ અને તેની વેબ-સાઇટ પરની અન્ય સામગ્રી  વાપરવા માટે પરવાનગી આપવા બદલ પ્રો. અરવિંદ ગુપ્તા નો હું આભારી છું.
આ લેખ વસ્તુત: કુ. તીથીયા શર્મા ના લેખનો અંશત: ભાવાનુવાદ છે, આ ભાષાંતરની પરવાનગી માટે કુ. તિથીયાજીનો પણ હું આભારી છું.
ક્ષમા યાચના:- શ્રુતિ-સાઈઝ 12 ફોંટ વાપરવા છતાં બ્લોગ પર અનિયમિત ફોંટ દર્શિત થાય છે. 'બ્લોગસ્પોટ' ની ક્ષતિ હશે(?).

સ્રોત:-  

2 ટિપ્પણીઓ:

  1. નમસ્કાર!
    આપનો બ્લોગ ”“વાર્તાલાપ” ” વાંચ્યો અને આપે જે રચના અને કૃતિઓ આપના બ્લોગ ઉપર મૂકેલ છે તે ખૂબ જ ઉપયોગી અને સુંદર છે.
    આશા છે આપનો બ્લોગ દિનપ્રતિદિન સફળતાના ઉન્નત શિખરો પ્રાપ્ત કરે તેવી શુભકામનાઓ.
    આપ આપના બ્લોગ થકી ગુજરાતી ભાષાનો જે પ્રસાર – પ્રચાર કરી રહ્યા છો તે સંદર્ભે ગુજરાતીલેક્સિકોન ટીમ વતી અમો આપ સમક્ષ એક રજૂઆત કરવાની મહેચ્છા દાખવીએ છીએ.
    ગુજરાતીલેક્સિકોન એ સતત છ વર્ષથી ભાષાના પ્રચાર -પ્રસાર માટે કાર્ય કરે છે. ગુજરાતીલેક્સિકોનની વેબસાઇટ ઉપર 45 લાખથી પણ વધુ શબ્દો અને અંગ્રેજી – ગુજરાતી શબ્દકોશ, ગુજરાતી – અંગ્રેજી શબ્દકોશ, ગુજરાતી – ગુજરાતી શબ્દકોશ જેમાં સાર્થ-બૃહદ અને ભગવદ્ગોમંડલોન સમાવેશ થાય છે, હિન્દી – ગુજરાતી શબ્દકોશ, વિરુદ્ધાથી શબ્દો, કહેવતો, રૂઢિપ્રયોગ, પર્યાયવાચી શબ્દો, શબ્દ સમૂહ માટે એક શબ્દ, વિવિધ રમતો, ગુજરાતી જોડણી ચકાસક (સ્પેલચેકર) વગેરે જેવા વિવિધ વિભાગો આવેલા છે.
    આ ઉપરાંત, આ સમગ્ર સ્રોત વિના મૂલ્યે ડાઉનલોડ કરવાની સુવિધા પણ આપવામાં આવી છે.
    માતૃભાષાના સંવર્ધન અને પ્રચારના અમારા આ પ્રયાસમાં આપ પણ સહભાગી થાવ એવી અમારી ઇચ્છા છે. આ સંદર્ભે આપે ફકત આપના બ્લોગ ઉપર યથાયોગ્ય સ્થાને ગુજરાતીલેક્સિકોન (http://www.gujaratilexicon.com) અને ભગવદ્ગોમંડલ (http://www.bhagwadgomandal.com)વેબસાઇટની લિંક મૂકવાની છે. જેથી વિશ્વભરમાં સ્થાયી થયેલ કોઈ પણ વ્યક્તિ એ લિંક ઉપર ક્લિક કરી પોતાની માતૃભાષા સાથેનો સંબંધ જાળવી રાખી શકે. અમને આશા છે આપ આ કાર્યમાં અમારી સાથે જોડાશો. તો ચાલો સાથે મળી આપણી ગરવી ગુજરાતી ભાષાના પ્રચાર અને પ્રસાર માટે એક સહિયારો પ્રયાસ કરીએ. આપને આ સંદર્ભમાં કોઈ પણ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો વિના વિલંબ આપ અમને ઈમેલ કરી શકો છો અથવા ફોન ઉપર પણ સંપર્ક કરી શકો છો. અમારો ફોન નંબર આ મુજબ છે – ૦૭૯ – ૪૦૦ ૪૯ ૩૨૫

    જવાબ આપોકાઢી નાખો
  2. મારા વ્હાલા ભજમન કાગડા ડોળે રાહ જોયા બાદ આજે તમારા ૨ લેખ વાંચવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે ,અરવિંદ ગુપ્તા સાહેબ ને ટીવી ઉપર ઘણીવાર જોયા હતા અને માણ્યા પણ હતા મારા નાના કાનુડાને એમના વિડીયો પણ બતાવેલ છે ,પણ એમના વિશે ની આટલી વિસ્તૃત અને ચીવટ પૂર્ણ માહિતી તમારી પાસે આજે જાણવા મળી ,ખરેખર હું તમારો આભારી છુ અને જો તમારા લેખ સમાચારપત્ર માં આવતા હોત તો હું એમ કહી શકત કે હું તમારી "કલમ" નો પ્રેમી છુ.આજે આ વાક્યો લખતા પહેલા હું "સર માર્લેન બ્રાન્ડો" ની ફિલ્મ "ધ ગોડફાધર" જોતો હતો તમારા લેખો માં અને ફિલ્મ પાત્ર "કોર્લયોને" માં એક સમાનતા છે બેઉ ના શબ્દો માં ગંભીરતા,સ્વચ્છતા,અને બીજા ના પ્રત્યે સમ્માન.હવે આ "કાગ" તમારા નવા લેખ ની રાહ માં બેઠો છે .ભૂલ થી શબ્દ ચૂક થઇ હોય તો બાળ સમજી ક્ષમા કરશો

    આપનો મહેન્દ્ર પરમાર
    બસ મન હવે તો "ભજમન"

    જવાબ આપોકાઢી નાખો