શુક્રવાર, 17 મે, 2013

ન્યુઝીલેંડની એક નવી રમત - ઝોર્બિંગ !


તમે ઝોર્બિંગ વિષે કાંઇ જાણો છો ? ડીઝનીલેંડ જેવા રમત-ગમતના પાર્કની મુલાકાત લીધી હશે તો ત્યાં રોલર કોસ્ટર, ડ્રેગન, વિ. અનેક જાતની રાઈડની મજા માણી હશે. પણ ઝોર્બિંગની મજા કોઇ દિવસ માણી છે ?

આપને થશે આ ઝોર્બિંગ (Zorbing) વળી શું છે? ઝોર્બિંગ એક જાતની રમત છે. ફુલાવી શકાય તેવા  પારદર્શક પ્લાસ્ટિકના એક વિશાળ ફુગ્ગા જેવા ગોળાની અંદર એવો જ એક નાનો ફુગ્ગો હોય છે. બંને ગોળાની વચ્ચે હવા ભરેલી હોય છે. અદરના નાના ગોળામાં આવ-જા કરી શકાય તેવી એક બારી રાખવામાં આવી હોય. આ નાના ગોળામાં એક કે બે વ્યક્તિ ઊભી રહે અને પછી આ ગોળાને લીલા ઘાસવાળા ઢાળ પરથી ગબડાવવામાં આવે! બસ, પછી મજા જ મજા! જાયંટ ચકડોળ અને રોલર કોસ્ટરની સવારી એક સાથે કરતાં હોઈએં તેવું લાગે! ગુજરાતીમાં આપણે તેને ”ગબડ ગોળો” તેવું નામ આપી શકીએં!

આ અવનવી રમતની શોધ ન્યુઝીલેંડમાં 1990ના અરસામાં ડ્વયને વાન દર સ્લુઇસ (Dwane van  der  Sluis)  અને એંડ્ર્યુ એકર્સ ( David Andrew Ackers) નામના બે કીવી મિત્રોએ કરી. બંજી જમ્પીંગ પછી સાહસિક રમતોની દુનિયાને ન્યુઝીલેંડની આ બીજી ભેટ છે. ઑકલેન્ડ પાસે રોટોરૂઆના પર્વતીય પ્રદેશમાં કંપની સ્થાપીને રમતને જાહેરમાં મુકી. સાથે ઝોર્બ યાને ગોળા બનાવવાની ફેક્ટરી પણ નાખી. જોતજોતામાં આ રમત દુનિયામાં પ્રસિધ્ધી પામી અને યુ.એસ.એ. યુરોપ, એશીયા વિ. 10 જગ્યાએ ફ્રેંચાઈઝી પણ આપી.  


જેમ અવકાશમાં સફર કરનારને એસ્ટ્રોનોટ કહે છે તેમ આ ઝોર્બ(પરપોટા)માં સફર કરનારને "ઝોર્બોનોટ" નામ આપવામાં આવ્યું છે. આપણે તેને “પરપોટા યાત્રી” કહી શકીએં! આ રમતની ખૂબી એ છે કે કીશોર વયથી માંડીને જૈફ વય સુધીના બધા આની મજા માણી શકે છે. ફક્ત અંદરના પરપોટામાં બંધાઈ રહેવાનો વાંધો ન હોવો જોઇએ! જોકે બે ગોળા વચ્ચેની હવાના કુશનને લીધે ઉછળતા, કૂદતા ગોળાના આંચકા નથી લાગતા. ગોળાના કેંદ્રત્યાગી બળને લીધે તમે ગોળાના પ્લાસ્ટિક સાથે ચીપકી રહો આથી તેજ પ્રવાહમાં તણાતા હોઈએ તેવો અનુભવ થાય.  

સમય જતાં આ રમતમાં સુધારા વધારા થયા. પ્રવાહી ગબડ ગોળા (hydro zorbing) અને લગામ ગબડ ગોળા (harness zorbing) નો ઉમેરો થયો. હાઈડ્રો ઝોર્બિંગમાં અંદરના ગોળામાં 30-40 લીટર પાણી નાખવામાં આવે છે. આને કારણે અંદરના પ્લાસ્ટિકની સપાટીથી તમે અળગા રહો છો અને વધારે ઉત્તેજના અને સાહસિક આનંદનો અનુભવ થાય. હાર્નેસ ઝોર્બિંગમાં સીટ-બેલ્ટ જેવા પટ્ટાથી ગોળાની અંદર જક્ડીને તમને સુરક્ષિત કરી દેવામાં આવે છે. 


પરદેશમાં મૉલમાં પ્લાસ્ટિકના ફુલાવી શકાય તેવા કુંડમાં પાણી ભરી તેમાં પારદર્શક પ્લાસ્ટિકના ગોળામાં કીશોર-કીશોરીને દાખલ કરી વૉટરપ્રુફ ઝીપથી ગોળા સીલ કરી દેવામાં આવે છે અને પછી તે ગોળો પાણીની સપાટી પર તરતો મુકાય છે. બાળક જેમ ચાલે તેમ તે દિશામાં ગોળો ગતિ કરે.પાણી પર ચાલતાં હોઈએં તેવું લાગે! ઑકલેંડમાં બૉટની મૉલમાં મારો દોહિત્ર અનય આવી મજા માણતો.   

હવે તો ભારતમાં પણ આ રમત માણી શકાય છે. મુમ્બઈ પાસે લોનાવલામાં એક કંપની છે જે આ રમતની મોજ કરાવે છે. ઝોર્બિંગમાં બીજાં ઘણાં વેરીએશન જેવાંકે રોલર ઝોર્બિંગ, લેંડ ઝોર્બિંગ, વોટર ઝોર્બિંગ અને એક્વા ઝોર્બિંગ પણ ઉમેર્યાં છે.


યુ-ટ્યુબ પર ઝોર્બિંગના ઘણા વીડીયો ક્લીપીંગ જોવા મળશે. એક ની લીંક અહિં આપી છે. માણો!




અને છેલ્લે,

પ્લાસ્ટિકના પરપોટા, ભાઇ અમે પ્લાસ્ટિકના પરપોટા
માંહી બેસીને ગબડતા સૌ કોઇ નાના મોટા
પચાસ  માઈલની ગતિએ ગબડતા,
ઉછળતા, કૂદતા, સરકતા,
પ્લાસ્ટિકના પરપોટા, ભાઇ અમે પ્લાસ્ટિકના પરપોટા.
(60+ ગુજરાતી –ગપસપ મંડળના અમારા નેટ મિત્ર શ્રી શરદ શાહની ક્ષમાયાચના સાથે.) 

<<>>
‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌‌‌----------------
તસ્વીરો અને સંદર્ભ: 
http://www.youtube.com/watch?v=aP2G57ubczQ
http://www.flyingkiwi.com/new-zealand-activities/adventures/zorbing/
en.wikipedia.org/wiki/Zorbing

1 ટિપ્પણી: