શુક્રવાર, 24 ઑગસ્ટ, 2012

પ્રથમ પ્રેમનો બેકરાર

( છેલ્લા ત્રણ સપ્તાહથી 'વાર્તાલાપ' માં કવિતાનો પ્રવાહ વહી રહ્યો છે. અને એ પણ ગંભીર કવિતાઓ. મારી નોંધપોથીમાંથી એક જૂનો લેખ હાથ આવ્યો છે. જેને જરા અપડેટ કરીને અહિં મૂક્યો છે.  આવો, આજે જરા હળવા થઇએ અને મનને ફુલગુલાબી કરી દઇએં.) 

પ્રથમ પ્રેમનો બેકરાર


જ્યારે વાર્તામાસિક તરફથી મને દિવાળી અંક માટે તમારા પ્રથમ પ્રેમનો એકરાર વિષય પર વાર્તા લખવાનું આમંત્રણ મળ્યું ત્યારે થોડા વખત માટે વર્તમાનમાંથી સરીને મારું મન ભૂતકાળની સફરે ઊપડી ગયું.

પહેલાં તો એ નક્કી કરવું મારે માટે મુશ્કેલ બન્યું કે પ્રથમ પ્રેમના એકરાર વિષે લખવું કે પ્રેમના પ્રથમ એકરાર પર લખવું? સાચું પૂછો તો આજે લગ્નના પચ્ચીસ વર્ષે પણ પ્રેમનો એકરાર ક્યારે કર્યો તે ખબર પડી નથી! ખરેખર તો મેગેઝીનવાળાએ મારાં શ્રીમતિજીને એ પૂછવું જોઇએ. ( હું આશા રાખું કે તેમને ખબર પડી હોય!) બાકી જ્યારે તમારાં લગ્ન ગોઠવણીથી’-એરેંજ્ડ મેરેજ-થયાં હોય, ત્યારે પ્રેમના એકરાર કેવા! ખરેખર તો એમ પૂછવું પડે કે તમને પ્રેમ થયો છે ખરો?

તો આપણે ભૂતકાળ તરફ ગતિ કરતા હતા. વચ્ચે જરા અવ્યાવસાયિક અંતરાલ આવી ગયો! જ્યારે હજી મૂછના દોરા પણ માંડ ફુટ્યા હતા એ જમાનાની આ વાત છે. અત્યારના યુવાનોને આજથી 30-40 વર્ષ પહેલાંના સમયની સામાજિક સ્થિતિનું અનુમાન કરવું પણ મુશ્કેલ લાગે. અત્યારે હાઇટેક જમાનો આવી ગયો છે. અત્યારે તો યુવાનોને “ઈ-પ્રેમ” અને “નેટ-પ્રેમ” થાય છે. અને પ્રેમપત્રોની જગ્યાએ ઈમેલ કે એસએમએસ મોકલાય છે. વધારે હિંમતવાળા યુવાનો તો સીધા મોબાઈલની કોલર ટ્યુન પર કોઇ ફિલ્મી ગીત વગાડીને પોતાના પ્રેમનો એકરાર કરી દેતા હોય છે. એનાથી આગળ વધેલા, જેની જૂવાની વધારે પડતી ફાટફાટ થતી હોય છે તેવા ફાટેલ મૂવાઓ તો રસ્તા વચ્ચે ફટફટિયું ઊભું રાખીને “આતી કયા----- ?” કહી દે છે.

હું જે જમાનાની વાત કરું છું તે જમાનો જૂદો હતો. આ “અમારો જમાનો જૂદો હતો” વાક્ય દર ત્રીસ વર્ષે એક પેઢી બીજી પેઢીને સંભળાવતી આવી છે અમને અમારા વડિલો આ જ વાક્ય વારંવાર સંભળાવતા અને કદાચ એમની યુવાનીમાં એમના વડિલોએ પણ આ વાક્ય દોહરાવ્યું હશે. અને આજથી ત્રીસ વર્ષ પછી અત્યારના યુવાનો પણ તેમનાં સંતાનોને આ વાક્ય કહેશે! આટલું પરંપરાગત, જૂનું, એંટીક વાક્ય હોવા છતાં દરેક વ્યક્તિ પોતે હમણાં જ શબ્દકોષમાં નવો ઉમેરો કર્યો હોય તેમ નવ-શોધકની અદાથી ઉચ્ચારતી હોય છે!

તો આ એ જમાનો હતો જ્યારે રેડિયોનું નવું નવું આગમન થયું હતું. અત્યારે જેમ એલસીડી ટીવી, આઈ-પેડ કે આઈ-ફોન 4 સ્ટેટસ સિમ્બોલ ગણાય છે તેમ ત્યારે ઘરમાં રેડિયો હોય તે સ્ટેટસવાળા લોકો કહેવાતા. અમે ત્યારે પોળના ઘરમાંથી નવરંગપુરામાં નવા ફ્લેટમાં રહેવા ગયા હતા. અમારી સામેના ફ્લેટમાં એક ષોડશી કન્યા નિવાસ કરતી હતી. શરૂ શરૂમાં સામે મળીએ કે લીફ્ટમાં સાથે થઇ જઇએં ત્યારે તારા-મૈત્રક રચાય પણ એથી આગળ વાતચીત ન થાય. એ જમાનામાં આજની જેમ “હી..! આઇ એમ ફલાણા.” કહીને દોસ્તી ઝટ દઇને ન થઇ શકતી. કોણ જાણે કેમ પણ મારો બહાર જવાનો સમય એ કન્યાનો પણ બહાર નીકળવાનો સમય થઇ જતો. કે પછી જ્યારે જ્યારે એ કન્યા બહાર નીકળતી ત્યારે હું બહાર જતો હોવ. આમાં કુદરતની કોઇ કરામત હતી કે બીજું કાંઇ તે ખબર પડતી ન હતી.

એ સિવાય અમારી વચ્ચે વાર્તાલાપનું વણલખ્યું કે વણકથ્યું સાધન રેડિયો હતું! વિવિધ ભારતી પર એ સમયે ફિલ્મી ગીતોના કાર્યક્રમ બહુ ન આવતા. પરંતુ રેડિયો સીલોન નવયુવકોનું માનીતું સ્ટેશન હતું. રેડિયો પર અમુક ગીતો આવે એટલે સામેના ફ્લેટમાં રેડિયોનું વોલ્યુમ અચાનક વધી જાય તો કોઇ વાર મારા રેડિયોનું વોલ્યુમ વધી જતું. અને કોઇ પણ કામ વગર ફ્લેટનો દરવાજો ખોલીને બહાર નીકળવાનું થતું અને કન્યાને પણ ત્યારે જ કચરો ફેંકવાનું મુહૂર્ત આવતું!

સાથ અને સમય અપરિચિતતાનાં આવરણ દૂર કરી દે છે. તે ન્યાયે અમારી વચ્ચે ધીરે ધીરે વાતચીત, આપ-લેના સંબંધ બંધાયા. વાર-તહેવારે કે રજાના દિવસે અંતકડી કે ફુલ-રેકેટ જેવી રમતો પણ રમતા થયા. તે અભ્યાસમાં બે વર્ષ પાછળ હોવાથી શીખવાને બહાને પણ જાહેરમાં મળતાં થયાં. નિબંધો લખી આપવાની નિ:સ્વાર્થ સેવા તો જાણે મારી ફરજ બની ગઈ હતી.    

અત્યારના યુવક-યુવતીઓને એક બહુ મોટી સગવડ છે. દર વર્ષે 14મી ફેબ્રુઆરીએ વેલેંટાઇન ડે આવે. આથી તમારા સુંવાળા સંબંધોનું પરિણામ હા કે ના તે જ દિવસે, એક ગુલાબના ફુલથી આવી જાય! હા હોય તો બલ્લે-બલ્લે અને ના હોય તો તુ નહિ ઔર સહી! અમારા જમાનામાં (આ “અમારા જમાનામાં વારંવાર વાચતાં તમને કંટાળો આવે છે ને? મને પણ લખતાં તો બહુ જ કંટાળો આવે છે!) હા. તો ત્યારે વેલેંટાઇન-ફેલેંટાઇન ડે ન હતા. પણ 14મી જાન્યુઆરીએ ઉતરાણનો ભરપૂર ઉપયોગ યુવાનો ઘનિષ્ટતા વધારવા માટે કરતા! પતંગના પેચ લડાવતાં દિલના પેચ લડાવી દેવાતા.જોકે હાલ પણ આ યુક્તિનો ઉપયોગ થાય જ છે. પણ હાય રે! મારાં તો બેડ લક જ ખરાબ હતાં કે "કામિની સેવા-ભાવના" બહુ સારી હતી, બંદા ફીરકી પકડવામાંથી ઊંચા આવે તો 'પેચ' લડે ને!   

ભાઇ, નવરાત્રિ ગઇ અને ઉતરાણ પણ ગઇ. મને થયું, હવે ઘનિષ્ટતાનો ઘટસ્ફોટ કરવાનો સમય આવી ગયો છે. પણ આ પરીક્ષાઓને પણ કસમયે ટપકી પડવાની ટેવ હોય છે! ષોડશીને મેટ્રીકની અને પછી મારે બીજી સેમેસ્ટરની પરીક્ષા આવી. બે ત્રણ મહિના માટે પ્રેમપ્રકરણમાં રૂકાવટ જાહેર કરી દેવી પડી. જોકે આ પ્રકરણમાં ખરેખર પ્રેમ હતો કે નહિ તે નક્કિ કરવાનું તો હજી બાકી જ હતું!

ષોડશી તો પરીક્ષા પતી એટલે મોસાળ જતી રહી. હું હજી થેરાજાના થોથામાં અટવાતો હતો (બી.એલ.થેરાજા એ લખેલ ઇલે. એંજિ. નું મહાકાય પુસ્તક અમારું પાઠ્યપુસ્તક હતું ) કે સ્ટીમ બૉયલર ના પ્રકાર ગોખતો હતો. માંડ પરીક્ષા પૂરી થઇ એટલે તાજા થવા અમે ત્રણ ચાર મિત્રો આબુના જંગલોમાં ટ્રેકિંગ કરવા નીકળી પડ્યા. એક અઠવાડિયું કુદરત ને ખોળે અને પર્વતની કંદરાઓ માં ગાળી હું પરત આવ્યો. મનમાં પહાડો પાસેથી ચટ્ટાન જેવી હિંમત એકઠી કરી લાવ્યો હતો. બસ હવે તો ધડાકો કરી જ નાખવો છે! ઘેર પહોંચતાં જ માએ સમાચાર આપ્યા, “સામેવાળા મેહતાભાઇની બદલી સુરત થઇ તેથી એ લોકો ફ્લેટ ખાલી કરીને ગયા. હવે બીજા કોઇ સારા ભાડૂત આવે તો સારું.”

ધબાય નમ:  મારા પ્રથમ પ્રેમનો એકરાર બેકરાર જ રહ્યો!

(લખ્યા તા. 21/05/2005, સમાપન 20/08/2012)

2 ટિપ્પણીઓ:

 1. thank you for sharing.

  it is very well written. very interesting too.

  regards,

  Maulesh
  by email

  જવાબ આપોકાઢી નાખો
 2. Dear Bhajmanbhai,
  Thanks for such rear story,which we have experiance in our life.It's almost true.I like too much.
  Paresh Dudhia.

  જવાબ આપોકાઢી નાખો