શુક્રવાર, 13 એપ્રિલ, 2012

આત્માનો વિલાપ

(આપણે વાલિયા લુંટારાની વાત વર્ષોથી-સદીઓથી સાંભળતા આવ્યા છીએં. જેમાં એક ખૂંખાર લૂંટારાનો હૃદયપલટો થાય છે. આધુનિક યુગમાં આ વાત અસંભવ લાગે. પરંતુ આ સદીમાં જ એક પરદેશી અપરાધી ભારતીય પરિવારની પારંપારિક સત્કાર ભાવના અને સહૃદયતાની સુવાસથી સંત તો નહિ પણ સજ્જન જરૂર બની શક્યો.

થોડા સમય પહેલાં મશહૂર એંકર ઑપેરાહ વિન્ફ્રે જોડે ગ્રેગરી ડેવીડ રોબર્ટ્સ ભારત આવેલ. ગ્રેગરી ડેવીડે આત્મવૃતાંત્મક અંગ્રેજી મહાનવલકથા “શાંતારામ” લખી છે. અંગ્રેજી સાહિત્ય વાંચવાનો શોખ ધરાવતા હોવ તો આ પુસ્તક જરૂર વાંચશો.  આ વાર્તાનો એક નાનકડો પરિચ્છેદ મને ખૂબ ગમ્યો. આ નાનકડા પ્રસંગથી ઓસ્ટ્રેલિયાની જેલ તોડીને ભાગેલા અને મુમ્બઇ આવી પહોંચેલા એક રીઢા ગુનેગારના દિલમાં ભારતીય પરંપરા અને આતિથ્ય ભાવનાથી માનવતાનાં અંકુર  રોપાય છે! એક અપરાધીની જીંદગીને ભારતીયતાનો રંગ કેવી રીતે પલટાવે છે! તેનું તાદૃશ વર્ણન આ પ્રસંગમાં છે. મને થયું, આપ સહુ જોડે (તેનો અનુવાદ) શેર કરૂં. ગુજરાતી ભાષામાં સૌપ્રથમવાર આ અનુવાદ કરવાની અને લેખ "વાર્તાલાપ" પર exclusively પ્રકાશિત કરવાની પરવાનગી આપવા બદલ ગ્રેગરી ડેવીડ રોબર્ટ્સના એજંટ રીગલ લીટરરી નો આભાર!) 

શાંતારામ 
ગ્રેગરી ડેવીડ રોબર્ટ્સ 
 પૂર્વકથાનક:- આ કથાનો નાયક લીન” ઑસ્ટ્રેલિયાનો રહેવાસી છે. સશસ્ત્ર ધાડ, ચોરી, નશીલી દવાની હેરાફેરી વિ ગુન્હા ને કારણે ત્યાં તેને કારાવાસની સજા થાય છે. પરંતુ ભાઇસાહેબ જેલ તોડી ભાગે છે અને ન્યુઝીલેન્ડ થઈ બનાવટી પાસપોર્ટ પર ભારતના મુમ્બઈ એરપોર્ટ પર ઊતરે છે. ત્યાં તેને પ્રભાકર નામના એક મહારાષ્ટ્રીયન ગાઇડનો ભેટો થઇ જાય છે. બંને વચ્ચે મિત્રતા બંધાય  જાય છે. લીન હિન્દી અને મરાઠી શીખવાનો પ્રયાસ કરે છે. ભારતને વધુ નજીકથી જાણવા તે પ્રભાકરને ગામ તેની સાથે જાય છે અને છ મહિના ત્યાં રહે છે. ૨૫૦ માણસોની વસ્તીવાળા ગામમાં કોઈએ ”ગોરા”ને ક્યારે પણ જોયો ન હતો! અહિં લેખક એક પ્રસંગ મુકે છે તે ખરેખર હ્રદયસ્પર્શી છે. કદાચ આ પ્રસંગથી જ એક રીઢા ગુન્હેગારના દિલમાં સંવેદના અને સહૃદયતાનાં બીજ રોપાયાં. લીનની જીંદગીનું આ મહત્વનું ટર્નીંગ પોઇંટ હોઇ શકે! જે ભવિષ્યમાં તેનું જીવન પરિવર્તન કરે છે.  
***

આત્માનો વિલાપ

“અંતે હું એક ગરીબ કિસાનના કાથીના ખાટલા પર આડો પડ્યો. આ રીતે ભારતના નાનકડા ગામમાં મારો પ્રથમ દિવસ પૂરો થયો, જેમ ઊગ્યો હતો તેમ જ આથમ્યો, શરણાગતિ સાથે. 


પ્રભાકરે મને કહ્યું કે તેના પરિવાર જનોને અને પાડોશીઓને મારી એકલતાની ચિંતા થાય છે. એક અજાણી જગ્યામાં મારા જેવો કુટુમ્બ વિહીન માણસ ચોક્કસ એકલતા અનુભવે. આથી તેઓએ પહેલી રાતે મને એકલતા ન સાલે અને જ્યાં સુધી તેમને ખાત્રી ન થાય કે હું ભર નિદ્રામાં પોઢી ગયો છું ત્યાં સુધી મારી પાસે ચોકી કરતાં બેસવાનું નક્કી  કર્યું.

પ્રભાકર અને તેના માતા-પિતા તથા આડોશી-પડોશીઓ મને કંપની આપવા હુંફાળી, અંધારી, તજની મહેકથી સુવાસિત રાતમાં મારા નીચા ખાટલાની આજુબાજુ વીંટળાઇને બેઠા. જાણે મારા રક્ષણ માટે કિલ્લો બનાવ્યો! મને લાગ્યું કે આટલા બધા પ્રેક્ષકોની વચ્ચે ઊંઘ આવવી લગભગ અશક્ય છે, પણ થોડી જ મિનિટોમાં ચમકતા અને ટમટમતા તારલાઓ નીચે નીશાના અગાધ ઊંડાણમાં ઘૂમરાતા અવાજની ભરતીના શાંત અને તાલબધ્ધ મોજાંના ધીમા ગણગણાટ પર હું તરવા અને સરકવા લાગ્યો

એક ઘડીએ, મારી ડાબી તરફ બેઠેલા પ્રભાકરના પિતાએ હાથ લંબાવીને મારા ખભા પર મુક્યો. વાત્સલ્ય અને સદભાવનાની એક સાદી ચેષ્ઠા, પરંતુ મારા પર તેની હૃદયસ્પર્શી અસર થઇ. એક ક્ષણ પહેલાં હું નિદ્રામાં સરકી રહ્યો હતો, પણ અચાનક જાગૃત થઇ ગયો. હું વિચાર વમળમાં ડૂબકી દેવા લાગ્યો. મારી દિકરીની, મારાં મા-બાપની, મારા ભાઇની, મેં કરેલા ગુન્હાઓની અને જેને કારણે કાયમ માટે ગુમાવેલા પ્રેમમાં કરેલી બેવફાઇઓ વિ, ની યાદ તાજી થઇ ગઇ. 

કદાચ વિચિત્ર ભાસે, અને કદાચ કોઇ બીજા માટે એ સમજવું મુશ્કેલ લાગે કે આ પળ સુધી મેં કરેલા દુષ્કૃત્યોની, મેં વેડફેલી જીંદગીની ખરી અનુભૂતિ મને ન હતી. હું સશસ્ત્ર ધાડ પાડતો, ડ્રગ લેતો અને મને હેરોઈનનું વ્યસન હતું. તે સમય ગાળામાં હું જે કાંઇ વિચારતો અને સ્મરણ પણ કરતો, તેની પર એક માદક ધુમ્મસ છવાયું હતું. એ પછી કૉર્ટ કેસ અને જેલવાસના ત્રણ વર્ષ દરમિયાન હું સ્વસ્થ અને સજાગ હતો, ત્યારે મને સમજાવું જોઇતું હતું કે મારી જાત માટે, મારા પરિવાર માટે અને બંદુકની અણીએ જેઓને મેં લુંટ્યા તે મનુષ્યો માટે અપરાધ અને સજાનો શું મતલબ છે, પણ મને ત્યારે આની કશી જ અસર થઇ ન હતી. હું સજા ભોગવવામાં અને સજાની ભાવનાઓ નીચે એટલો દટાયેલો હતો કે એ તરફ ધ્યાન જ ન આપી શક્યો. જેલમાંથી ભાગ્યા પછી, નાસભાગ, છુપાછુપી, જેના માથા સાટે ઇનામ છે તેવા ભાગેડુની ભાગદોડ- ત્યારે પણ, મારાં કરતૂતોની અને તેના પરિણામસ્વરૂપ બનેલી મારી જીંદગીની કડવી કથાનો સ્પષ્ટ, સર્વગ્રાહી આલેખ ન ઓળખાયો.

પરંતુ, અહિં ભારતના એક ગામડામાં, મારી પહેલી જ રાત્રે, કે જ્યારે હું આ ધીમા ગણગણાટનાં મોજાંઓ પર તરાપાની માફક તરતો હતો અને મારી આંખોમાં તારલાઓ ચમકતા હતા; ત્યારે, એક અજનબીના પિતાએ વાત્સલ્ય સભર હાથ લંબાવ્યો, એક ગરીબ કિસાને પોતાનો રૂક્ષ અને ખરસટ હાથ મારા ખભા ઉપર મુક્યો; એ ઘડીએ મને ભાન થયું કે મેં શું કર્યું હતું અને હું કેવો થઇ ગયો હતો! એ દર્દ, ડર, અને મુર્ખતાભર્યા જીવનની વ્યર્થતા, આ સઘળાની જાણ મને થઇ. શરમ અને દુ:ખથી મારું દિલ ભાંગી પડ્યું. મને ત્યારે ભાન થયું કે મારા દિલમાં કેટલું અફાટ રૂદન ભરાયું છે અને સાવ અલ્પતમ પ્રેમ છે!  આખરે હું કેટલો એકલવાયો છું તેની પ્રતિતી મને થઇ

પણ હું આ વાત્સલ્યનો પ્રતિભાવ ન આપી શક્યો. મારા સંસ્કારોએ મને બધી વિપરીત શિક્ષા આપી હતી. આથી હું કોઇ જાતના પ્રતિભાવ વિના નિશ્ચેત પડ્યો રહ્યો. પરંતુ મારા આત્માના સંસ્કાર જાગી ઉઠ્યા. આત્માનો કોઇ દેશ નથી હોતો, કોઇ રંગ નથી હોતો, કોઇ વિશિષ્ઠતા નથી હોતી કે નથી હોતા જીંદગીના રંગઢંગ. આત્મા અમર છે. આત્મા એક જ છે. અને જ્યારે હૃદય સત્ય અને દુ:ખની પળોમાં ગરકાવ હોય છે ત્યારે આત્મા શાંત નથી રહેતો.

મેં સિતારાઓ સામે મારા દાંત ભીંસ્યા. મારી આંખો બંધ કરી અને નિદ્રાદેવીને શરણે થયો. આપણને પ્રેમની તીવ્ર ઝંખના થવાનું કે તે માટે તાતી તલાશ કરવાનું મન થાય તેનું એક કારણ એ પણ છે કે એકલતા, શરમ અને વિષાદનો એક માત્ર ઉપાય પ્રેમ છે. પરંતુ કેટલીક લાગણીઓ હૃદયમાં એટલી ઊંડે ખૂંચી જાય કે તેને ફરી શોધી કાઢવા માટે ફક્ત એકાંત જ તમને મદદરૂપ થાય છે. જાત માટેનાં અમુક સત્યો એટલાં દુઃખદાયક હોય છે કે માત્ર શરમ જ તમને તે સાથે જીવવાનું બળ પૂરું પાડે છે. અને કેટલીક બાબતો એવી વિષાદયુક્ત હોય છે કે તમારે બદલે માત્ર તમારો આત્મા જ વિલાપ કરે છે.”

અનુવાદ: ભજમન નાણાવટી
-------------------------------------------------------------
Reprinted by the permission of Regal Literary as the agent of the author 
Copyright @2003 by Gregory David Roberts.


(I am thankful to Regal Literary- the agents of the author Gregory David Roberts, for permission to translate and publish this piece on VARTALAP. )  

Source: SHANTARAM by © Gregory David Roberts
Publisher: Abacus An Imprint of Little Brown Book Group, London,UK

           Hachette India

10 ટિપ્પણીઓ:

  1. v nice ... Congrats Bhajmanbhai ..!!

    આત્માનો કોઇ દેશ નથી હોતો, કોઇ રંગ નથી હોતો, કોઇ વિશિષ્ઠતા નથી હોતી કે નથી હોતા જીંદગીના રંગઢંગ. આત્મા અમર છે. આત્મા એક જ છે. અને જ્યારે હૃદય સત્ય અને દુ:ખની પળોમાં ગરકાવ હોય છે ત્યારે આત્મા શાંત નથી રહેતો.
    આપણને પ્રેમની તીવ્ર ઝંખના થવાનું કે તે માટે તાતી તલાશ કરવાનું મન થાય તેનું એક કારણ એ પણ છે કે એકલતા, શરમ અને વિષાદનો એક માત્ર ઉપાય પ્રેમ છે. પરંતુ કેટલીક લાગણીઓ હૃદયમાં એટલી ઊંડે ખૂંચી જાય કે તેને ફરી શોધી કાઢવા માટે ફક્ત એકાંત જ તમને મદદરૂપ થાય છે. ...!!!

    So true ..!!!

    જવાબ આપોકાઢી નાખો
  2. કર્મોની ગતિ રહસ્યમય છે.દરેક જીવની પોતાની યાત્રા તેના આધારે રચાય છે.અહી બધું નિયમથી જ થાય છે અને આ નિયમને ઓળખવા અને જીવવા તેનુ નામ જ ધર્મ છેઆહી કોઈ વાલિયો વાલ્મિકી થઈ જાય તો કોઈ વાલ્મિકી વાલિયો બની જાય તે સંભવ છે અને દરેક કાળમા આમ બનતુ આવ્યું છે અને બનતુ રહેશે.

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. આ પ્રસંગ પછી કથાનાયક ઘણા વર્ષ મુમ્બઇમાં અંડરવર્ડની દુનિયામાં કાઢે છે. અપરાધની દુનિયાનો એક પણ અપરાધ બાકી નહિ હોય જે તેણે ન આચર્યો હોય. પરન્તુ છેવટે તેનો માર્ગ પલટાય છે. મને એમ લાગ્યું કે આત્મીયતાની આ ચેષ્ઠાએ તેના નઠોર હૃદયને હચમચાવી નાખ્યું અને જીવન પરિવર્તનનો પાયો બની.

      કાઢી નાખો
  3. પણ હું આ વાત્સલ્યનો પ્રતિભાવ ન આપી શક્યો. મારા સંસ્કારોએ મને બધી વિપરીત શિક્ષા આપી હતી. આથી હું કોઇ જાતના પ્રતિભાવ વિના નિશ્ચેત પડ્યો રહ્યો. પરંતુ મારા આત્માના સંસ્કાર જાગી ઉઠ્યા. આત્માનો કોઇ દેશ નથી હોતો, કોઇ રંગ નથી હોતો, કોઇ વિશિષ્ઠતા નથી હોતી કે નથી હોતા જીંદગીના રંગઢંગ. આત્મા અમર છે. આત્મા એક જ છે. અને જ્યારે હૃદય સત્ય અને દુ:ખની પળોમાં ગરકાવ હોય છે ત્યારે આત્મા શાંત નથી રહેતો.....................

    Bhajmanbhai,
    Read your Post..An ANUVAAD of a portion from the Book in English by Grogory Roberts of Australia.
    Very nice !
    Enjoyed !
    DR. CHANDRAVADAN MISTRY
    www.chandrapukar.wordpress.com
    Thanks for your visits/comments on Chandrapukar

    જવાબ આપોકાઢી નાખો
  4. સુંદર અનુવાદ, મજા પડી ગઇ. - તેજસ વૈદ્ય, મુંબઇ

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. આભાર તેજસભાઇ. 'ચોક્કસ એક નગર વસતું હતું'ના કલાકારનું વાર્તાલાપ પર સ્વાગત છે.

      કાઢી નાખો
  5. "પણ હું આ વાત્સલ્યનો પ્રતિભાવ ન આપી શક્યો. મારા સંસ્કારોએ મને બધી વિપરીત શિક્ષા આપી હતી. આથી હું કોઇ જાતના પ્રતિભાવ વિના નિશ્ચેત પડ્યો રહ્યો. પરંતુ મારા આત્માના સંસ્કાર જાગી ઉઠ્યા. આત્માનો કોઇ દેશ નથી હોતો, કોઇ રંગ નથી હોતો, કોઇ વિશિષ્ઠતા નથી હોતી કે નથી હોતા જીંદગીના રંગઢંગ. આત્મા અમર છે. આત્મા એક જ છે. અને જ્યારે હૃદય સત્ય અને દુ:ખની પળોમાં ગરકાવ હોય છે ત્યારે આત્મા શાંત નથી રહેતો."
    અહિં છેલ્લા વાક્યમા "આત્મા શાંત નથી રહેતો" એની જગ્યાએ "મન શાંત નથી રહેતું" એ વધારે યોગ્ય લાગે છે.

    જવાબ આપોકાઢી નાખો
  6. મૂળ વાક્ય આ પ્રમાણે છે.
    And when the heart has its moment of truth and sorrow, the soul can't be stilled.
    મારી પાસે અન્ય વિકલ્પ હતા "આત્મા અસ્થિર થઇ જાય છે." "આત્મા અસ્થાયી થાય છે." "ચિત્ત વિચલિત થાય છે." "હૈયું હચમચી જાય છે."
    પરંતુ આ મનોમંથનમાં આત્મા કેંદ્રસ્થાને છે તેમ જ લેખના શિર્ષકને વળગી રહેવા માગતો હતો.

    અલબત્ત, "મન શાંત નથી રહેતું." મને ત્યારે સુઝ્યું ન હતું. પણ કદાચ જે કારણથી ચિત્ત અને હૈયું શબ્દ નકાર્યા તે કારણથી મન પણ નીકળી જાત. શબ્દકોષમાં મન/હૈયું/ચિત્ત આત્માના સમાનાર્થી શબ્દ નથી. ભગબદ્ ગોમંડળ પ્રમાણે ચિત્ત નો અર્થ..

    "અંતઃકરણ હ્રદય. ઇંધણાં વિનાનો અગ્નિ જેમ પોતાના કારણરૂપ સામાન્ય અગ્નિમાં લીન થાય છે તેમ વૃત્તિઓનો ક્ષય થવાથી ચિત્ત પોતાના કારણરૂપ આત્મામાં શાંત થાય છે. વેદાંત અનુસાર અંત:કરણની ચાર વૃત્તિ છે: મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. સંકલ્પવિકલ્પાત્મક વૃત્તિને મન કહે છે. નિશ્ચયાત્મક વૃત્તિને બુદ્ધિ કહે છે. એ બેની અંતર્ગત અનુસંધાનાત્મક વૃત્તિને ચિત્ત કહે છે. અને અભિમાનાત્મક વૃત્તિને અહંકાર કહે છે. પંચદશીમાં ઇંદ્રિયોના નિયંતા મનને અંત:કરણ માન્યું છે. ચિત્ત જ સંસાર છે. તેને અભ્યાસ વૈરાગ્યાદિરૂપ પ્રયત્ન વડે રજોગુણ અને તમોગુણથી રહિત એકાગ્ર કરવું. મનુષ્યનું ચિત્ત જેમાં આસક્ત થાય છે, તે રૂપ તે મનુષ્ય થાય છે. ચિત્તના સંસર્ગથી જ આત્માને સંસારીપણું છે. ચિત્તને બ્રહ્મમાં એકાગ્ર કરવાથી આત્માના સંસારની નિવૃત્તિ થાય છે. ચિત્તની નિર્મળતાથી પુણ્યપાપરૂપ શુભાશુભ કર્મનો નાશ થાય છે. જેનું ચિત્ત નિર્મળ હોય છે તે જીવાત્મા પોતાના વાસ્તવિક સ્વરૂપમાં સ્થિત થઇને અવિનાશી આનંદનો અનુભવ કરે છે. શરીરમાં પાંચ પ્રકારે જાતને વિભક્ત કરીને પ્રાણ યથાસ્થાને બેઠેલો છે. તેમાં ઇંદ્રિયો સહિત પ્રાણીમાત્રનું ચિત્ત હમેશા ગૂંચવાયેલું રહે છે. એ ચિત્ત જ્યારે શુદ્ધતમ થાય છે, રાગદ્વેષાદિની અનંત સંસ્કારપરંપરાથી મુક્ત થઇને નિરુદ્ધ અવસ્થાને પામે છે, ત્યારે આ આત્મા વિભવતિ અર્થાત્ વિશેષરૂપે પોતાના અસલી સ્વરૂપે જણાય છે. આથી વિવેકી પુરુષે શરીરસ્થ પ્રાણનો નિરોધ કરવો. તે દ્વારા ઇંદ્રિયોનો પ્રત્યાહાર કરવો. પ્રત્યાહૃત ઇંદ્રિયોને ચિત્તમય કરી ચિત્તને પરમ વૈરાગ્યથી વૃત્તિશૂન્ય કરવું. વૃત્તિશૂન્ય ચિત્ત જ્યારે થાય છે ત્યારે આત્મા સ્વરૂપપ્રતિષ્ઠિત સમજાય છે. આંતરિક વ્યાપારમાં મન સ્વતંત્ર છે, પણ બાહ્ય વ્યાપારમાં ઇંદ્રિયો પરતંત્ર છે. પંચભૂતોની ગુણસમષ્ટિથી અંત:કરણ ઉત્પન્ન થાય છે. તેની બે વૃત્તિ છે: મન અને બુદ્ધિ. મન સંશયાત્મક છે અને બુદ્ધિ નિશ્ચયાત્મક છે. વેદાંતમાં પ્રાણને મનનું કારણ કહ્યું છે. મૃત્યુ થતાં મન તે પ્રાણમાં લય થઈ જાય છે. ક્ષણિકવાદી બૌદ્ધો ચિત્તને આત્મા માને છે."

    જવાબ આપોકાઢી નાખો
  7. પશ્ચિમની સંસ્કૃતિ મહદ અંશે બહિર્મુખી કે બહિર્યાત્રા તરફ રહી છે.ત્યાંની ભાષાઓની સમસ્યા એ છે કે તેમની પાસે અંતરયાત્રા બાબતે ખુબ જ ઓછા શબ્દો છે એટલે ગમે તે શબ્દો ગમે તે જગ્યાએ તેઓ ઉપયોગમા લે છે. જેમકે"I love my car" પ્રેમ(Love) અધ્યાત્મની ઈજાદ છે. પણ ગમે ત્યાં વપરાય છે. અને હવે આપણે પણ ધીમે ધીમે પાશ્ચાત સંસ્કૃતિમાં રંગાતા જઈએ છીએ એટલે આવું બધું થોડા ઘણા અંશે સ્વિકારતા થઈ ગયા છીએ.
    પરંતુ ભારતિય મનિષા કહે છે કે આત્મા પરમાત્માનો અંશ છે.જે સત્ય પણ છે. અને જો આત્મા પરમાત્માનો અંશ હોયતો તે અશાંત કેવી રીતે થઈ શકે? એટલે મેં કહ્યું કે આત્મા અશાંત થઈ ગયો તેની જગ્યાએ મન અશાંત થઈ ગયું વધારે યોગ્ય છે.

    જવાબ આપોકાઢી નાખો