શુક્રવાર, 20 એપ્રિલ, 2012

આપ શું વિચારો છો? - 6 નોકરિયાત સ્ત્રીઓ સુખી છે?

ભારતમાં નોકરિયાત મહિલાઓની મુશ્કેલીઓ.

કારમી મોંઘવારીના આ કાળમાં સામાન્ય પરિવાર માટે બે છેડા ભેગા કરવાનું અતિ મુશ્કેલ બન્યું છે. પતિ-પત્ની બંનેને નોકરી કરવી પડે તેવી અનિવાર્ય પરિસ્થિતિ પ્રવર્તે છે. તો એમાં પ્રોબ્લેમ શું છે? જગતમાં ઘણા દેશોમાં સ્ત્રીઓ નોકરી કરતી હોય છે! ભારતની મહિલાઓ કઇ નવી નવાઇ કરે છે?

ભારતીય કૌટુમ્બિક અને સામાજિક પ્રથાના માળખામાં રહીને જ્યારે સ્ત્રી નોકરી કરે છે ત્યારે તે એક સાથે અનેક પાત્રો ભજવતી હોય છે, કર્મચારી, પત્ની, માતા, પુત્રવધુ, ગૃહિણી, શિક્ષિકા, વિગેરે. ઘરની આવકમાં ભલે અર્ધોઅરધ ભાગ આપતી હોય પણ ઘરકામ કે પરિવારની અન્ય જવાબદારીઓમાં પતિદેવ ભાગ્યે જ ભાગ પડાવતા હોય છે. સાંજે ઓફિસેથી ઘેર આવીને પુરુષ સોફા પર લંબાવીને છાપું ઉથલાવશે કે ટીવીનું રીમોટ હાથમાં પકડી લેશે. જ્યારે તેટલી જ મહેનત અને પરસેવો પાડીને ગૃહિણી ઘેર આવશે તો રસોડું તેની રાહ જોતું હોય.

પાશ્ચાત્ય દેશોમાં ઘરકામમાં સ્ત્રી અને પુરુષ સરખે ભાગે કામ વહેંચી લેતા હોય છે. જોકે ભારતીય મૂળના પુરુષો આ જવાબદારી કેટલે અંશે નીભાવે છે તે તો પરદેશી ભારતીય નારીઓ જ કહી શકે.   

કદાચ આ એક જ મોરચો સંભાળવાનો હોય તો તો ભારતીય નારી પહોંચી વળે તેટલી સક્ષમ છે પણ એમ નથી. વ્યાપારી ગૃહો, નાનાં મોટાં ઔદ્યોગિક સંકુલો, મલ્ટીપ્લેક્સ ઓફિસો, સરકારી અને અર્ધ-સરકારી કચેરીઓ; આ બધી જગ્યાઓએ મહિલા કર્મચારીઓ માટે શું સુવિધાઓ હોય છે? નથી હોતા સુવિધાજનક પ્રસાધન કક્ષ, કે રેસ્ટ રૂમ્સ; નથી હોતાં પારણાં ઘર કે ભૂલકાંઓ માટે ડે-કેરની પૂરતી વ્યવસ્થા. આ સિવાય ખાનગી ઓફિસોમાં કામના કલાકો પણ નક્કિ નથી હોતા. સાથી કર્મચારીઓ એવી અપેક્ષા રાખે કે સરખો પગાર તો સરખું કામ. ઓફિસના સમય પછી પણ રોકાવું પડે. આ ઉપરાંત તેઓની વક્રોક્તિ અને ઉપાલંભના ભોગ બનવું પડે તે અલગ. 

કરિશ્મા માતા બની. કોઇપણ સ્ત્રી જ્યાં સુધી માતૃત્વ ધારણ ન કરે ત્યાં સુધી પોતાને અધૂરી સમજે છે. માતા બનવાનો અનેરો આનંદ હોય છે. પણ આ આનંદનો અનુભવ તે પૂરેપૂરો ન કરી શકી. નોકરી કરવી કે બાળકને ઉછેરવું? આ બંને વચ્ચે જ્યારે પસંદગી કરવાની આવી ત્યારે કરિશ્માએ નોકરી છોડવાનો નિર્ણય કર્યો. વિભક્ત પરિવારના ગેરફાયદાનો કડવો અનુભવ તેને થયો.
દેશમાંથી સાસુ સસરા લાંબા સમય માટે તેની સાથે રહેવા આવી શકે તેમ ન હતાં. વિશાળ ઓફિસ કોમ્પલેક્ષમાં  પારણાં-ઘરની સુવિધાનો અભાવ હતો. આયા રાખવાનું પોસાય તેમ ન હતું. કેમ કે આઠ દસ કલાક માટે કોઇને ઘર તેમજ બાળક સોંપીને જવું યોગ્ય ન લાગ્યું. અને આટલા બધા કલાક માટે રહેવા કોઇ આયા મળતી ન હતી. અને કદાચ મળે તો પણ આયાનું મહેનતાણું અને અન્ય ખર્ચાની ગણતરી કર્યા પછી તેને પગારમાંથી ખાસ બચત થતી ન દેખાઇ. અને ધારો કે એ જાતું કરે તો પણ નવજાત શિશુ, માંના દૂધ વિના આટલો બધો સમય કેમ રહી શકે? ઓફિસમાં ધાવણ પમ્પ કરવાની કે પમ્પ કરેલ દૂધ રાખવાની પણ પૂરતી સગવડતા નથી હોતી. બાળકને પરાણે બહારના દૂધની ટેવ પાડવી પડે.  



શિવાની IT પ્રોફેસનલ છે. તેની ઓફિસમાં આડકતરું જાતીય શોષણ થાય છે. સ્ત્રીઓ એટલે પ્રીવીલેજ્ડ ક્લાસ એવા કટાક્ષ બાણ છોડાતાં હોય છે. કોઇની ભૂખી, લાલચુ નજર સામે શું ફરિયાદ કરી શકાય? આ સિવાય પણ અભદ્ર અપેક્ષાઓનો સામનો કરવો પડતો હોય છે.    



રાગિણી ઓફિસમાં એક અગત્યની મીટીંગમાં હતી અને સેલફોન પર યશના સ્કૂલ ટીચરનો હોમવર્કમાં અનિયમિત હોવાની ફરિયાદ કરતો ફોન આવ્યો. બાળકોને ભણાવવાની જવાબદારી ફક્ત માતાની જ?


સુકેશી ચાર્ટર્ડ એકાઉંટંટ છે. એક ક્લાયંટ માટે ઇન્કમટેક્ષના કેસની અપીલ કરવાની હોવાથી રાતના નવ વાગે થાકીને ઘેર પહોંચી. રસોડામાં જઇને જોયું તો વાસણોનો ઢગલો તેની રાહ જોતો હતો. સાસુજીએ કહ્યું, “આજે કામવાળી નથી આવી. ખીચડી મુકી દો. ચાલશે.”

આવાં તો અનેક ઉદાહરણો આપણને જોવા મળશે. ઓફિસના કામની જવાબદારી, માનસિક ત્રાસ, ઘરકામની જવાબદારી, બાળકોના ઉછેરની જવાબદારી. આ બધામાં નારીને પોતાની તબિયતની કાળજી લવાનો તો સમય જ નથી મળતો હોતો.

શું તમને લાગે છે કે ભારતમાં નોકરિયાત મહિલાઓ સુખી છે? 

6 ટિપ્પણીઓ:

  1. ભજમનભાઈ,
    તમે બોલાવ્યા અને આવી આ પોસ્ટ વાચી.
    નારી "વેસ્ટન વર્લડ​"માં પહેલા ઘરકામ જ કરી, સંતાનોની સંભાળ રાખતી....ત્યારબાદ​, શિક્શણના કારણે એ નોકરી કર​વા ઘર બહાર ગ​ઈ.
    હ​વે, ભારતમાં પણ નારીઓ ઘરકામ સાથે નોકરી કરે છે...મોટો બોજો લેય છે.....આ પરિવર્તન તો પ્રગતિનું પગલું કહેવાય​.
    ઘણીવાર​, નારીઓ નોકરી કરી ઘરનો ખર્ચ સારી રીતે થાય એવા ભાવે કરે છે...કોઈવાર​, નારીઓ શિક્શણના કારણે નોકરી કર​વાનું પસંદ કરે છે....પણ જ્યારે એના હૈયે એવો વિચાર આવે કે " મારા કારણે જ ઘર નભે છે" ત્યારે એ ખોટા પંથ પર આવી અભિમાનમાં એની બુધ્ધી ભુલે છે.
    અને જ્યારે નારી નોકરી કરતી હોય ત્યારે એને ઘરકામમાં મદદ કર​વી એ પુરૂષની ફરજ બની જાય છે. પુરૂષ એની સમજ પ્રમાણે "નાનું મોટું" કામ ઉપાડી લેય ત્યારે જો નારી એની કદર ના કરે, અને પોતાની "શક્તિ"ના વખાણ સાથે મોટી "આશાઓ" રાખે ત્યારે એ ભુલ કરે છે....અને ક્રોધ કરતા કરતા, એ પુરૂષથી દુર થ​ઈ જાય છે....ઘર ભાંગે તેમાં આ હકિકતનો ફાળો નિહાળ​વા મળે છે.
    માત​-પ્રેમ જેવો પિતા પ્રેમ નથી જ ! માતા જે પ્રમાણે ઘરને "મંદીર​" બનાવવા માટે ભાવો રાખે તે પ્રમાણે ઘરકામ કરતો પુરૂષ કદી કરી શકતો નથી...જો, નારી આ સમજે તો, એ એના હૈયે "મોટી" આશાઓ છોડી, જે પુરૂષથી મદદ કરી શક્ય કર્યું તેનો આનંદ માણી શકે....અને સંસારી જીવન સારી રીતે વહે..નહી તો જીવનમાં "અસંતોષ"અને અંતે "છુટાછેડા" નિહાળ​વા મળે !
    પુરૂષ નારીના કાર્ય માટે ગર્વ રાખે....અને નારી ઘરકામની મદદ માટે સંતોષ રાખે તો, સંસારી જીવન આ યુગમાં પણ આનંદીત હોય શકે !
    >>>>ચંદ્ર​વદન​
    DR. CHANDRAVADAN MISTRY
    www.chandrapukar.wordpress.com
    Bhajamanbhai,
    Inviting you to my Blog Chandrapukar

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. એ આવ્યા તો ખમ્મા ઘણી! જો પતિ અને અન્યનો સહકાર નોકરિયાત ગૃહિણીને મળે તો થોડી સરળતા બેશક રહે. પત્ની નોકરી ન કરતી હોય તો પણ પતિએ મદદરૂપ થવું જોઇએ. પરંતુ અહિ પતિ-પત્નીના પરસ્પર સંબંધની વાત નથી. પુરુષની સરખામણીએ નોકરી કરતી ગૃહિણીને વધારે સહન કરવું પડે છે તે હકિકત પર પ્રકાશ પાડવાનો પ્રયત્ન છે. ખેતી-પ્રધાન આ દેશમાં તો સદીઓથી પત્ની પતિને ખેતીકામમાં મદદ કરતી આવી છે. શિક્ષણ અને કુટુમ્બ વિસ્તારને લીધે હવે સ્ત્રીઓ નોકરી કરીને ઘરસંસારમાં મદદ કરે છે. પરંતુ તેને માટે તે ભોગ પણ વધારે આપે છે.

      કાઢી નાખો
  2. સુખની વ્યાખ્યા વક્તિએ વ્યક્તિએ , સમયે સમયે, સ્થળે સ્થળે બદલાઈ જાય છે. કોઈ સુખી છે કે દુખી છે તે આપણે નક્કી કરીએ તેના કરતા તેને પોતાને નક્કી કરવા દઈ આપણે એ નક્કી કરી કે હું સુખી છું કે દુખી છું તો વધારે જીવનોપયોગી થશે. પહેલા એ સમજાઈ જાય કે હું દુખી છું તો દુખના કારણો શું છે તેની પણ ધીમે ધીમે સમજ આવવા માંડશે. અને એકવાર કારણો સમજાશે તો તેના ઉપાયો પણ સમજમા આવતા જશે. અને ઉપાયો અમલમાં મુકશું તો જીવન સુખમય બની શકશે તો અન્યને પણ સુખ આપી શકશું. અત્યારે તો પરિસ્થિતિ એ છે કે આપણે બધા આપણી પોતાની પાસે જે (સુખ) નથી તે ગામમાં વહેંચવા નીકળીએ છીએ અને ભ્રમણામાં જીવીએ છીએ કે હું તો સુખ વહેંચું છું. એટલીય ખબર નથી પડતી કે જે છે જ નહી તે વહેંચીશ કેવી રીતે? બધા સુખ જ વહેંચતા હોય તો આ પૃથ્વી સુખથી ભરાઈ ગઈ હોય. પણ પરિસ્થિતિ તદ્દન વિપરિત છે. જરુર કાંઈક ભુલ થઈ રહી છે. તમે શું કહો છો?
    મારા ગુરુ કહેતા," પુરાણા દુખો પણ પ્યારા હોય છે અને આપણે છોડવા નથી માંગતા."

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. આપે ચર્ચાને તત્વજ્ઞાન તરફ વળાંક આપ્યો. સુખ એટલે શું? આપના વિચારને આગળ ધપાવીએં તો સુખની કોઇ વ્યાખ્યા જ નથી થઇ. માટે દુખની પણ ચોક્કસ વ્યાખ્યા નથી. જેની વ્યાખ્યા જ ન હોય તેની સમજ કેવી રીતે પડે? મનુષ્ય સ્થિતપ્રજ્ઞ કે વિતરાગની અવસ્થાએ પહોંચે ત્યારે જ આપ કહો છો તે શક્ય બને. અને તો, મારા મતે, વિકાસ અટકી જાય. પત્થર યુગનો માનવી વધારે સુખી હતો!?

      આ લેખમાં આધુનિક યુગમાં નોકરી કરતી ભારતીય ગૃહિણીને વેઠવા પડતા સંઘર્ષ અને તેનાથી ઉદભવતા પ્રશ્નોના નિરાકરણની ચર્ચાનો આશય છે.

      કાઢી નાખો
  3. ભજમનભાઈ સીધી સાદી મારી વાતમાં ક્યાં તત્વજ્ઞાન દેખાણુ? ગીતા, કુરાન, પુરાણ કે ઉપનિષદોની કોઈ વાત નથી કે નથી કોઈ અન્ય શાસ્ત્રોની ગહન અને ઉટપટાંગ વાતો. ખુબ જ સીધી સાદી વાત કહુ છું કે તમારા અને મારા ચર્ચા કરવાથી કોઈનુ દુખ દુર કરી શકાતુ નથી. દુખ સદા સ્વ જાગૃતિ અને સ્વ પ્રયત્ને જ દુર થાય છે એ નિયમ છે.
    અને હું ખાત્રી પૂર્વક કહું છું કે નોકરી કરતી પતિ કે સાસુ કે બોસત્રસ્ત ભારતિય સ્ત્રીઓને આવી ચર્ચાઓથી કોઈ ફાયદો થવાનો નથી. પરંતુ આવી ચર્ચાઓ તમારા અને અન્ય માટે સમય વેડફવા અને દિમાગી ખુજલી મિટાવવા સિવાય બીજું કાંઈ કરી શકે તેમ નથી. અને આ ઉંમરે જ્યારે ગણ્યા ગાંઠ્યા વર્ષો જીવનના બચ્યા છે ત્યારે આવી લક્ક્ષરી કેમ પોષાય? જરા વિચારી જોજો. આપ બુધિમાન છો જ. અને સ્વ હિત સમજી શકશો.
    બીજું આપ લખો છો કે,"જેની વ્યાખ્યા જ ન હોય તેની સમજ કેવી રીતે પડે?" જે બહુમુલ્ય છે તેનો અનુભવ જ હોય વ્યાખ્યા ન કરી શકાય તે સાવ સાદો નિયમ છે. કેરીના સ્વાદની શું વ્યાખ્યા કરશો? પ્રેમની શું વ્યાખ્યા કરશો? પણ કેરીનો સ્વાદ કે પ્રેમ અનુભવ કરી શકાય છે અને અનુભવથી સમજી શકાય છે. શબ્દો અને બુધ્ધિની મર્યાદાઓ છે અને એ હવે આ ઉંમરે સમજાઈ જવી જોઈએઈના માટે સ્થિતપ્રજ્ઞ કે વિતરાગ દશાની કોઈ જરુર નથી.

    જવાબ આપોકાઢી નાખો
  4. Good one...salute to those Indian working women....i think life must be very hard for them.

    Regards,
    Nisha Vashi

    જવાબ આપોકાઢી નાખો