શુક્રવાર, 17 ફેબ્રુઆરી, 2012

પત્ની એટલે પગરખું??

                                                                                                                                    -ભજમન   

આ હાસ્યલેખકો એમના મનમાં શું સમજતા હશે? મને આ પ્રશ્ન કાયમ સતાવતો હોય છે. હું કોઇ લેખિકા નથી કે નથી મારા “એ” કોઇ હાસ્યલેખક, પરંતુ હું જ્યારે જ્યારે કોઇ હાસ્યલેખ કે હળવો કટાક્ષ
લેખ અથવા હાસ્યલેખનું પુસ્તક વાંચું છું તો એક વાત ઊડીને આંખે વળગે તેવી સ્પષ્ટ થાય છે કે હાસ્ય
લેખકની પત્ની કદી ન બનવું. આ વાત ફક્ત હાસ્ય લેખકોને જ નહીં પરંતુ મંચ પર ઊભા રહીને હાસ્ય
કાર્યક્રમ આપતા હાસ્ય કલાકારો કે મિમિક્રી આર્ટીસ્ટ અને ટીવી પર આવતા રીયાલીટી શૉમાં ટુચકા કે જૉક્સ સંભળાવતા કલાકારોને પણ એટલી જ લાગુ પડે છે. તમે મારો ઈશારો તો સમજી જ ગયા હશો કે હું કઇ બાબતનો નિર્દેશ કરવા માગું છું.


હા.તો મને જે વાત પ્રત્યે સખ્ત નફરત છે, વાંધો છે, વિરોધ છે,  તે એ કે આ લેખકો, કળાકારો પોતાની ધર્મપત્નીને શા માટે શિકાર બનાવતા હશે. વ્યંગબાણનું નિશાન શું ? તો કે  પત્ની. ઘર-કંકાસમાં વિલન કોણ? તો કે પત્ની. હાસ્યાસ્પદ પરિસ્થિતિ કે સંજોગોના કેંદ્રસ્થાને કોણ? તો કે પત્ની. ભલેને તે ચુમ્માળિસ કીલો વજનનું સુકલક્ડી શરીર ધરાવતી હોય, પણ જાહેરમાં તેને હીપોપોટેમસ સાથે સરખાવાય! પત્ની ભલે ચિત્તાકર્ષક રૂપલલના હોય પણ મંચ પરથી તેને કાણી, કુબડી, શુર્પણખા કે હીડમ્બા જેવી, એવાં તરેહ તરેહનાં વિશેષણો અપાય! શાંત અને સરળ સ્વભાવની માનુનીને કર્કશા, ઝઘડાખોર, ક્લેષી કે કંકાસણી તરીકે વર્ણવાય! અલ્યા ભાઇ, હાસ્ય નિષ્પન્ન કરવા માટે તમને પત્ની સિવાય બીજું કોઇ પાત્ર જ નથી મળતું? તમારી પત્ની માટે તમને પ્રેમ ન હોય તો કાંઇ નહિ પરંતુ તલભર પણ માન નથી? એ તમારા બાળકોની મા છે, તમારી ટુંકી આવકમાંથી વટભેર કરકસરથી ઘર ચલાવતી ઘરરખ્ખુ ગૃહિણી છે. તેને માટે તમારા દિલમાં જરા પણ સન્માન નથી? આવી કંગાળ માનસિકતા છે તમારી?

સ્વ.જ્યોતિંદ્ર દવે પોતાના દુર્બળ તન પર કટાક્ષ કરી લેતા પણ અર્ધાંગનાને વ્યંગથી અળગી રાખતા. જો આ હાસ્યકારો પત્નીને પોતાની પ્રેરણામુર્તિ સમજતા હોય તો તેને લાડ કરાય, કે શંખણી તરીકે ચિતરાય!  આ લોકો આપણા કવિઓ પાસેથી કેમ કાંઇ પાઠ નથી લેતા? પોતાની પ્રેમિકા-પત્ની-પ્રેરણામૂર્તિને કેવા મનોહર શબ્દ-પુષ્પોથી સજાવતા હોય છે! યાદ કરો,  કવિ શ્રી વેણીભાઇ પુરોહિતની આ અમર રચના “તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી, તારા રૂપની પુનમનો પાગલ હું એકલો...”. એક તો એવો વિરલ હાસ્ય લેખક-કલાકાર બતાવો જેણે સ્વપત્નીનાં ગુણગાન ગાયાં-લખ્યાં હોય!

એવું નથી કે આ રોગ આપણા દેશમાં જ છે, રીયાલીટી શૉમાં પાકિસ્તાનથી આવેલા જોકરોએ પણ પોતાની બેગમની પત્તર ખાંડવામાં કાંઇ બાકી નથી રાખ્યું.

“અરે! તું આ જોકર શબ્દ ના વાપર.“ મારા ખભા પાછળથી ડોકિયું કરી ચોરીછૂપે વાંચતા મારા પતિદેવથી
એક્સ્પર્ટ કોમેંટ કર્યા સિવાય ન રહેવાયું.

“કેમ? આમાં ખોટું શું છે? જૉક કરે તે જૉકર!

 “એ ખરું, પણ સામન્યતઃ આ શબ્દ કોઇને ઊતારી પાડવા માટે વપરાય છે.”

“આ માનસિકતા જ બદલવાની જરૂર છે. સ્વ. રાજકપૂરે જોકરને સાચો સંદર્ભ આપ્યો છે. જોકર સન્માનનો અધિકારી છે. અને મિસ્ટર! તમે ઑડિટર બની રહો, એડિટર બનવાનું કોણે કીધું? હજી મેં મારું લખાણ પૂરું પણ નથી કર્યું અને તમે લાલ પેંસિલ લઇને બેસી ગયા!”

પણ તું આમ પતિઓને સાવ ઉતારી પાડે, તે કેમ ચાલે! અમારી પતિ-ક્લબ રામ જેવા આદર્શ પુરુષ થી શરુ થઇ હતી.”

“રામ!  એક આદર્શ પુરુષ?! રહેવા દો! હું કાંઇ બોલીશને તો કોઇની ધાર્મિક લાગણી દુભાશે!”

“ના ના! તું તારે બોલને, મારી ધાર્મિક લાગણી બહુ મજબૂત છે. તે એમ નાની નાની વાતમાં નહિ દુભાય.”

“રઘુવંશના યુવરાજકુમારને પરણીને સીતાએ શું મેળવ્યું? તો કે પરણીને તરત વનવાસ! એ પણ પૂરાં ચૌદ વર્ષનો! મહેલોમાં રહેવાવાળી અને ઠાઠમાઠથી ઉછરેલી સુકોમળ કન્યાને ઝૂપડીમાં રહેવાનું મળ્યું, રેશમી, મખમલનાં વસ્ત્રોને બદલે વલ્કલ વસ્ત્રો પહેરવાનાં મળ્યાં, મેવા-મીઠાઇને બદલે ઘાસપૂસ ને ફળ ખાવાના મળ્યાં, રથમાં સહેલ કરવાને બદલે વગડામાં ઠોકરો ખાવાની આવી, સોને મઢેલા છત્રી પલંગ અને સો મણ રૂની તળાઇને બદલે જમીન પર ઘાસની પથારીમાં સુવાનું મળ્યું, એક વખત બાપડીને સુવર્ણ મૃગથી રમવાની ઈચ્છા થઇ તો અપહરણ થઇ ગયું! જો કે રાવણ ખાનદાન હતો...”

“રાવણ, અને ખાનદાન?!”      

“હા. સત્તરવાર ખાનદાન. સ્વર્ગ, પૃથ્વી અને પાતાળલોક એમ ત્રિલોક વિજેતા, ચાર વેદોનો જાણકાર,  મહા તપસ્વી રાજા. જેણે પોતાની પ્રજાને સુખ સમૃધ્ધિમાં રાખી હતી. લંકા સોને મઢેલી અમસ્તી નોતી કહેવાતી! એ રાવણ સીતાનું અપહરણ કરીને પોતાના મહેલમાં સીધો શયનખંડમાં ન લઇ ગયો, પણ પોતાના રાજ્યની સીમાની બહાર સુંદર ઉપવનમાં-અશોક વાટિકામાં-  ઉતારો આપ્યો. સેવા માટે દાસીઓ રાખી અને કદી સીતા સન્મુખ ઉપસ્થિત ન થયો પણ દાસી દ્વારા પોતાની રાણી થવા સમજાવતો રહ્યો. એક ચક્રવર્તી રાજા પ્રેમની ભીખ માગતો રહ્યો! ક્યારેય બળજબરી ન કરી. અને સીતાને રાવણથી છોડાવી રામે શું કર્યું? તો કે આગમાં ધકેલી! અગ્નિપરીક્ષા લીધી! છટ્ ! અને આટલું ઓછું હોય તેમ ગર્ભવતી સીતાનો વિના વાંકે ત્યાગ કર્યો! શું સુખ મળ્યું આદર્શ પુરુષ, આદર્શ પતિ રામ તરફથી એ તો બતાવો?” 

“વેલ, આવું તો મેં ક્યારેય વિચાર્યું જ ન હતું! પણ મહેરબાની કરીને તું આ બધું તારા આર્ટિકલમાં ન લખતી નકામા પેલા દળવાળા,
બળવાળા અને ધજાવાળા તારી સામે મોરચો લઇને આવશે!”

“અરે! પણ મેં જે કાંઇ કહ્યા તે દરેક પ્રસંગ તુલસીદાસજીએ રામાયણમાં વર્ણવેલા છે. મેં કોઇ અતિશયોક્તિ નથી કરી કે નથી મારા મનમાંથી ઘડીને કહ્યા. અને મેં ખોટું શું કહ્યું છે? આદિ કાળથી પુરુષજાત પત્નીને પગનું પગરખું સમજતી આવી છે. મન ફાવે ત્યારે પહેર્યું અને મન ફાવે ત્યારે ફેંકી દીધું. લાગ આવે તો બે-ચાર જોડી વસાવે! એનીવે, તમે હવે તમારા આઇપેડમાં ગેમ રમો મારા લેપટોપમાં ડોકિયું ના કર્યા કરતા!”
====èç====



4 ટિપ્પણીઓ:

  1. વાત તો હાચી હોં!
    પણ એક વાત કઠી. થોડુંક પોતાની ઉપર જ હસી લીધું હોત તો?

    જવાબ આપોકાઢી નાખો
  2. ખુબ ખુબ આભાર સુરેશભાઇ!,

    કોઇ અકળ કારણોસર મારા જ બ્લોગ પર હું ટિપ્પણી મુકી શકતો ન હ્તો! આજે પાછું ગાડૂં બરાબર ચાલ્યું! 'સ્વ' પર હસવા માટે બીજો લેખ લખાશે તો છાપી મારીશ!
    "વાર્તાલાપ"ની મુલાકાત લેવા બદલ આભાર!

    જવાબ આપોકાઢી નાખો
  3. Kulin Mehta commented on your blog post "પત્ની એટલે પગરખું?? -ભજમન" on THE INDIANS

    ------------
    One Little Corretion:

    કવિ શ્રી બરકત વીરાણી-“બેફામ”ની આ અમર રચના “તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી, તારા રૂપની પુનમનો પાગલ હું એકલો..."

    This immortal poem/song is written by Venibhai Purohit and sung by Dilip Dholakia tuned by Ajit Merchant.

    The focus point for humorists is well taken.

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. આપનો સુધારો સમાવી લીધો છે.ક્ષતિનું ધ્યાન દોરવા બદલ આભારી છું.

      કાઢી નાખો