શુક્રવાર, 23 જુલાઈ, 2010

માનવતાનો પાઠ

માનવતાનો પાઠ
                                                                                                                         -ભજમન

મુક્તક ધુંવાફુંવા થતો ઘેર આવ્યો. આવતાં વેંત બાઇકની ચાવી ટેબલ પર ફેંકી. હેલમેટ પણ રોજિંદી જગ્યાને બદલે સોફાની બાજુમાં ગબડતી મુકી. સોફા પર બેસી શૂઝ કાઢીને શૂ-રેક તરફ ઘા કર્યો. અને “લિપિઈઈઈ..” એમ ઊંચા અવાજે બૂમ મારી.

લિપિ ત્યાં જ બેઠી હતી અને શાંતિથી આ બધો તમાશો જોતી હતી. તેણે ઊભા થઇને ફ્રીજમાંથી બૉટલ કાઢી ગ્લાસમાં પાણી ભરી આપ્યું. મુક્તકે એક શ્વાસે ગ્લાસ ખાલી કર્યો.

‘બીજું લાવું ?’ લિપિએ શાંતિથી પૂછ્યું. જવાબ આપવાને બદલે મુક્તક પગમાંથી મોજાં કાઢવામાં પરોવાયો. લિપિ ફરી લેપટોપ હાથમાં લઇ ચુપચાપ સર્ફીંગ કરવા બેસી ગઇ. મુકતકે મોજાં શૂ-રેક તરફ ફેંક્યાં. ગોગલ્સને જમણા હાથની પહેલી આંગળી પર ફેરવવા લાગ્યો.

‘જો ગોગલ્સ ફેંકીશ તો તૂટી જશે. વાત કરીશ તો મનનો ઊભરો શાંત થશે. અને ટેબલ પરથી પગ નીચે.’ લિપિએ ફુગ્ગામાં ટાંકણી મારી.

‘અરે જવા દે ને. બધા સા.’ *#** ભેગા થયા છે.’

‘વાત શું છે ? બૉસની સાથે ઝગડો થયો ? આટલો ટેંશનમાં કેમ છે ?’ હવે લિપિના પ્રશ્નમાં ચિંતા ઉમેરાઇ.

‘અરે નાઆ રે. બૉસ તો મારી મુઠીમાં છે. પણ આ અમદાવાદના ગાડીઓવાળા એમના મનમાં સમજે છે શું ? રસ્તો શું એમના બાપનો છે !’ મુક્તકે ઉકળાટ ઠાલવ્યો.

‘શું થયું ? એક્સીડંટ તો નથી થયોને ? તને ક્યાંય વાગ્યું કે ? એક તો તું બાઇક જ એવીરીતે ચલાવે કે જાણે વિમાન ચલાવતો હોય !’

‘મને કંઇ નથી થયું. પણ પે’લાની ગાડીમાં મોટો ગોબો પડી ગયો. મેં તો બરાબરનો ખખડાવ્યો. ભાઇસાહેબ પ્રવચન આપવા મંડી ગયા, -તમે રોંગ સાઇડ પરથી આવ્યા.. વિ.- અરે ! મેં તો બે-ત્રણ અસલ કાઠીયાવાડી ચોપડાવી દીધી !’

‘પણ તું ખરેખર રોંગ સાઇડ પરથી જ જતો હશે. વાંક તારો અને ઉપરથી પાછી ગાળો આપી ! બિચારો કોઇ ભલો માણસ હશે.’

‘હવે તું એની વકીલાત કરીશ નહિ. એ તો એમ જ હોય. આપણો વાંક હોય ત્યારે જ વધારે બુમાબૂમ કરાય ! એટેક ઇઝ ધ બેસ્ટ ડીફેંસ. સમજી ? હવે ચા ની વ્યવસ્થા કરશો મેડમ, કે ભલા માણસની બચાવ કામગીરી આગળ વધારવાની છે ?’

‘હા. આપું છું તને ચા. સાથે બીજું કાંઇ ખાઇશ ?’

‘ના. અને હા ! લિપિ, તારી તબિયત કેમ છે ? આજે ડૉ. મનોજની એપોઇંટમેંટ હતીને ? શું કહ્યું તેમણે ?’

‘બસ. બધું નૉર્મલ છે. બીપી, વજન બધું બરાબર. સોનોગ્રાફી પણ કરી, બાળકનો પ્રોગ્રેસ સંતોષજનક છે. તેમ કહ્યું.‘

‘એટલે લિપિનો ‘કક્કો’ જલ્સા કરે છે એમ જને ?’

‘કક્કો જ હશે એમ તેં કેમ માન્યું ? બારાખડી પણ હોય !’

‘કાંઇ વાંધો નહિ. આપણે તો કક્કો કે બારાખડી જે હોય તે. પણ મને તો પહેલી છોકરી જ ગમે હો ! પછી બીજા ભલે છોકરાઓ હોય.’

‘એટલે મીસ્ટર આખી ક્રીકેટ ટીમ બનાવવાનો વિચાર છે તારો ? ખબરદાર હો !’

‘અરે, આ તો જરાક મજાક કરું છું. નેટ પર લાઇવ ડીલીવરી જોઇને મારા તો હાંજાં જ ગગડી ગયાં છે. હેટ્સ ઑફ ટુ યુ ગર્લ્સ ! મને પહેલેથી આવી ખબર હોત તો એક પણ ન થવા દેતે.’ મુક્તક ગંભીર થઇ ગયો.

‘રાઇટ. કીપ ઇટ ઇન માઇંડ. સાંજે શું ખાઇશ ?’

‘તું શું બનાવવાની છે ?’

‘હજી કાંઇ નક્કી નથી કર્યું. હજુરની જે ફરમાયશ હશે તે આ બાંદી હાજર કરશે !’ લિપિ આજે મુડમાં હતી.

‘તો બાદશાહ સલામત ફરમાવે છે કે આજે ડીનર માટે બહાર જઇએ અને પછી ફિલ્મ.’

‘વાઉઉઉ... ! હું તો તૈયાર જ છું. ક્યો ડ્રેસ પહેરું ? હવે બધા ડ્રેસ મને ફીટ થવા માંડ્યા છે. સાડી તો મને ફાવતી જ નથી.’

અને મુક્તક-લિપિ ડીનર, અને ત્યારબાદ મલ્ટીપ્લેક્ષમાં ફિલ્મ જોવા ગયા.
*                  *                  *

રાતના દોઢ વાગ્યો હતો. ગાંધીનગર અમદાવાદનો હાઇવે સૂમસામ હતો સિવાય કે પૂર ઝડપે દોડી જતી એકલ દોકલ કાર. મુક્તક-લિપિ ફિલ્મ જોઇને પાછાં ફરતાં હતાં. ત્યાં બાઇકમાં પંક્ચર પડ્યું. મુક્તકે મહામુશ્કેલીએ બાઇક પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કર્યો. પણ નિષ્ફળ નીવડ્યો.બંને ઉથલી પડ્યાં. લિપિને છ માસનો ગર્ભ હતો. પછડાટથી તેને બ્લીડીંગ થવા લાગ્યું. અને સખત દુઃખાવો થવા માંડ્યો. મુક્તક બેબાકળો થઇ ગયો. લીફ્ટ માટે પ્રયત્ન કર્યો પણ કોઇ વાહન ઊભું ન રહ્યું. અધુરામાં પુરું મોબાઇલ પણ પછડાટને લીધે કે ગમે તેમ, કામ કરતો ન હતો. એક ક્ષણ માટે પત્નીની જીંદગી માટે વલખતો વિધાતાનો દીલીપકુમાર યાદ આવી ગયો. સ્તબ્ધ બની ગયો. ફિલ્મ જોતી વખતે કેવી હાંસી ઉડાવી હતી ! અને બમણા ઝનુનથી કરેંગેયા મરેંગે કરી રસ્તા વચ્ચે બે હાથ પહોળા કરી એક દૂરથી આવતી કારને રોકવા ઊભો રહ્યો. વાહનવાળાએ ડીપર લાઇટ ચાર-પાંચ વાર ઓન-ઓફ કરી પણ તે ખસ્યો નહિ. અત્યારે તે સાનભાન ગુમાવી બેઠો હતો. છેવટે કાર ચાલકે કાર ધીમી કરી સાઇડમાં ઊભી રાખી. મુક્તક હાંફળો ફાંફળો ડ્રાઇવરની બારી પાસે જઇ બે હાથ જોડીને ઊભો રહ્યો.

‘સર ! પ્લીઝ હેલ્પ ! મેડિકલ ઈમર્જંન્સી ! હેલ્પ પ્લીઝ !’

કારના ચાલક પર નજર પડતાં જ તેના ચહેરો રૂની ધોળી પૂણી જેવો થઇ ગયો. આ એજ વ્યક્તિ હતી જેની સાથે સાંજે અકસ્માત કર્યો હતો અને ગેરવર્તન કર્યું હતું !

‘પ્લીઝ સર ! મારી પત્ની.. .. હેલ્પ ! બાઇકને પંક્ચર પડ્યું. મારી પત્ની ઉથલી પડી છે એંડ શી ઇઝ પ્રેગનન્ટ એન્ડ બ્લીડીંગ.’

તે વ્યક્તિ ઝડપથી કારમાંથી બહાર નીકળી લિપિ પાસે ગઇ. તેની નાડી તપાસી. ખિસ્સામાંથી પેનલાઇટ કાઢી આંખો તપાસી. લિપિ અર્ધબેભાન અવસ્થામાં કણસતી હતી.

‘તમે પડી ગયાને કેટલો વખત થયો ?’

‘સર.. .. ‘ મુક્તકે કાંડે પહેરેલી ઘડિયાળમાં જોયું. કાચ તૂટી ગયો હતો. કદાચ ઘડિયાળ બંધ પડી ગઇ હતી. તેણે કાંડું ડૉક્ટર તરફ ધર્યું. ‘આઇ ડોંટ નો સર ! પ્લીઝ તમારો ઉપકાર જીંદગી ભર નહિ ભૂલું.’ તેનો અવાજ ગળગળો થઇ ગયો હતો અને આંખોમાં પાણી તગતગવા લાગ્યાં હતાં.

ડૉક્ટરે પોતાની ઘડિયાળ જોઇને કહ્યું, ‘હજુ પંદર મિનિટ જ થઇ છે. વાંધો નથી. લૂક મીસ્ટર, તમે જરાય ચિંતા ના કરશો. હું એક ગાયનેકોલોજીસ્ટ છું. અત્યારે જ તમારાં વાઇફને મારા ક્લિનિક પર લઇ જઇએ, જો તમને વાંધો ના હોય તો.’

બંનેએ મળીને લિપિને કારમાં સુવાડી. કારની ડીકીમાંથી ઈમરજંસી મેડીકલ કીટ બેગ કાઢી લિપિને એક ઇન્જેક્શન આપી દીધું. અને કાર અમદાવાદ તરફ હંકારી મુકી. રસ્તામાં મુક્તક પાસેથી જરૂરી માહિતિ મેળવીને પોતાના મોબાઇલથી ક્લિનિક પર સ્ટાફને તૈયારી કરવાની સુચના આપી દીધી.

બીજી વીસ મિનિટમાં લિપિ ક્લિનિકના ઑપરેશન થીએટરમાં હતી. તેની સારવાર શરૂ થઇ ગઇ. અર્ધાએક કલાક પછી ડૉક્ટર બહાર આવ્યા. મુક્તક નતમસ્તકે ઊભો હતો. ડૉક્ટર તેને પોતાની કેબીનમાં લઇ ગયા. તેને પણ એક્ઝામીનેશન ટેબલ પર સુવાડી તપાસ્યો. મુક્તક પણ ઘવાયો હતો. સીસ્ટરને બોલાવી તેનું ડ્રેસીંગ કરાવ્યું અને એટીએસનું ઈન્જેક્શન અપાવ્યું. કોફી મંગાવી. મુક્તકના ખભા પર હાથ મુકી ડૉક્ટર બોલ્યા,

‘જુવો, તમારી પત્ની અને બાળક બંનેની તબિયત સારી છે. તુરત સારવાર મળી તે સારું થયું. મેં હાલ સ્ટીચીઝ લઇ લીધા છે. આથી બ્લીડીંગ બંધ થઇ ગયું છે. તેણીને ઘેનનું ઈન્જેક્શન આપ્યું છે. તેથી સવાર સુધી આરામ મળશે. પછી તમે તેને ઘેર લઇ જઇ શક્શો. પણ હા. તેને એક મહિનો કમ્પ્લીટ બેડ રેસ્ટ આપવાનો છે. ઘરમાં બીજું કોઇ છે જે કામકાજ કરી શકે ?‘

ના. અત્યારે તો નથી. અમે હજુ બે મહિના પહેલાં જ અહિં અમદાવાદ આવ્યા. પણ મધર છે તેને બોલાવી લઇશ.’

ઑકે. તો જરૂર કોઇને બોલાવી લો. અને ડીલીવરી સુધી બાઇક તો શું રિક્શામાં પણ મુસાફરી ના કરાવતા. સવારે હું ડૉ. મનોજ સાથે વાત કરી લઇશ. તે ખૂબ હોંશિયાર છે. માટે બાકીનું તે સંભાળી લેશે. તે મારો મિત્ર છે. સવાર સુધી તમે પણ આરામ કરો.’

મુક્તકની આંખમાંથી આંસુ સરી પડ્યાં. ‘સર, આજે આપ ન હોત તો મારી જીંદગી બરબાદ થઇ ગઇ હોત. ગઈકાલે મેં આપની સાથે જે વર્તન કર્યું તેની માફી કેવી રીતે માગવી તે જ નથી સમજાતું. મારું માથું શરમથી ઝૂકી જાય છે. આપ ઈન્સાન નહિ દેવ છો દેવ.’

ડૉક્ટર મુકતકને ત્યાં જ ઊભેલો મુકીને કેબીનની બહાર નીકળી ગયા.

=========XXX=========

(લખ્યા તા.02/07/2006.)

5 ટિપ્પણીઓ:

  1. ખુબ સરસ અંકલ. વાંચવાની મજા આવી. ક્યાંથી પ્રેરણા મળી?

    જવાબ આપોકાઢી નાખો
  2. સરસ પ્રેરણાત્મ્ક વાર્તા . કોઈ ક્યારે આપણી મદદે આવી શકે તેની ખબર નથી હોતી માટે કોઈની પણ સાથે ગેરવર્તણુક કરવી ન જોઈએ . ચપટી શેર માટીની પણ ક્યારેક જરૂર પડે છે

    જવાબ આપોકાઢી નાખો
  3. ડૉક્ટરે ઠંડા કલેજે દીધેલાં ડામ મુક્તકને જીવનભર યાદ રહેશે.
    વાર્તા ઘણું બધું કહી જાય છે.

    જવાબ આપોકાઢી નાખો