શુક્રવાર, 16 એપ્રિલ, 2010

પાથરણાં પરિષદ - 1 હાઉસવાઇફ

 


                                                                               

પાથરણાં પરિષદ - 1 'હાઉસવાઇફ'

(આ પરિસંવાદમાં ભાગ લેનારાં બધાં પાત્રો કાલ્પનિક છે અને તેને કોઇ જીવંત કે દિવંગત વ્યક્તિ કે આત્મા સાથે કે ઉપરની તસવીરો સાથે કોઇ સંબંધ નથી.)

ન્યુઝીલેંડનો લાંબામાં લાંબો બીચ એટલે “લોંગ બે” નો દરિયા કિનારો, મેઘ-વિહીન, શ્વેત અને શાંતોજ્વળ દિવસ, અને ઈસ્ટરની રજાઓ! થોડાં ગુજરાતી કુટુમ્બો ‘લોંગ બે’ પર યાંત્રિક મંગાળાની (બાર્બેક્યૂ ) મોજ માણવા પહોંચી ગયાં. અહિં પરદેશમાં રિવાજ એવો કે બાર્બેક્યૂ પર પુરુષો જ રાંધે અને મહિલાઓ ગરમ ગરમ ડીશો ઝાપટે! સાથે અલકમલક ની વાતો, ગીતો, રમતો ચાલુ હોય! આમ તો બાર્બેક્યૂની ખરી મજા માંસાહારી વાનગીઓ અને આલ્કોહોલ (ડ્રીંક્સ) હોય તો આવે. અહિં તો બધા શાકાહારી અને દારૂબંધી વાળા ગુજરાતીઓ છે. ચાલો આપણે પણ એમાં અદ્રષ્ટ રહીને શ્રોતા થઇએ! આપણે તેમની વાનગીઓમાં ભાગ નહિ પડાવીએ!

પાત્રો:-

ભરત અંકલ- નિવૃત વેપારી                                                        માલીની આંટી – હાઉસવાઈફ
રજ્જુભાઇ– નિવૃત્ત બેંક ઓફિસર                                                   જયશ્રી– નિવૃત્ત શિક્ષિકા,+ હા.વા.
નેહા- નોકરિયાત સ્ત્રી                                                                    અર્ચના– નોકરિયાત સ્ત્રી
સીમા - શિક્ષિત, લગ્નોત્સુક યુવતી.


ભરત અંકલ- અહિં પરદેશમાં આ “મંગાળા ભોજન” સારું. બૈરાંને ફરવાની મજા અને રાંધવાની રજા!

અર્ચના- કેમ અંકલ, અમારે કોઇક વાર તો રજા હોય ને!

માલીની આંટી– હોવી જોઇએ. પણ દેશમાં આ વાત કોઇ પુરુષ સમજતો નથી.

રજ્જુભાઇ- કેમ ત્યાં પણ આપણે ઊંધીયા પાર્ટી, પોંક પાર્ટી નથી કરતા?

જયશ્રી- કરીએ છીએ, પણ એમાં ય બૈરાંઓને જ માથે રાંધવાની જવાબદારી હોય છે. તમે પુરુષોએ ક્યારે મદદ કરી?

રજ્જુભાઇ- અરે ભાઇ, ગૃહિણીનું એ જ તો કર્તવ્ય છે. 

જયશ્રી- હા જરૂર. પણ કમાણી એ સ્ત્રીનું કર્તવ્ય નથી તો ય સ્ત્રી કમાઇને ઘરમાં મદદરૂપ થાય છે. 

ભરત અંકલ- અત્યારના જમાનામાં મોંઘવારીને પહોંચી વળવા પતિ-પત્ની બંને એ કમાણી કરવાનું જરૂરી થઇ ગયું છે. અને પરદેશમાં તો તે ફરજિયાત છે.

માલિની- હમણાં ટીવી પર એક જાહેરાત આવે છે તેમાં એક સ્ત્રીને “હાઉસવાઈફ?” એવો અફસોસ જનક ઉદગાર કાઢતાં બતાવે છે મતલબ કે. "હું તો એક હાઉસ વાઈફ, એમાં શું ધાડ મારી? " એમ લઘુતા અનુભવે છે. ઘણી નોકરી કરતી સ્ત્રીઓ પણ “બસ હાઉસવાઈફ છો?” એવો તિરસ્કાર યુક્ત અભિગમ દર્શાવતી હોય છે. આ ક્યાંનો ન્યાય? નોકરી કરતી સ્ત્રીઓને ગૃહિણીની અવહેલના કરવાનો હક મળી જાય? 

નેહા- આપ-કમાઇનો એક અનોખો આનંદ હોય છે. અનેરી ખુમારી હોય છે. તમે જે જાહેરાત ની વાત કરો છો તેમાં પણ અંતે તે સ્ત્રીને આપ-કમાઈ કરતાં બતાવી છે. જેણે થોડી ઘણી પણ કમાણી કરી હોય તે જ આ ખુદ્દારી સમજી શકે. પછી તે કમાણી સાડીને લેઇસ-ફૉલ મૂકીને કરી હોય કે ઉચ્ચ હોદ્દા પર નોકરી કરીને. પણ તેમ છતાં નોકરી ની બધી જ જવાબદારીઓ, ટેન્શન, યાતાયાત ની તકલીફ વ. હસતાં હસતાં સહન કરતી હોય છે. બોસની કટકટ અને/અથવા સહ-કર્મચારીઓની પજવણી, આ બધું કોઇ જાતની ફરિયાદ વિના સહન કરીને પાછું ઘરકામ પણ કરવું. એ સહેલું નથી. 
   
માલિની- કેમ? ઘરમાં સાસુ, નણંદ, દેરાણી કે જેઠાણી ની મદદ તો મળતી હોય ને ? અને એ ન હોય તો નોકર તો હોય જ. તમારે પરદેશમાં તો પતિ પચાસ ટકા મદદ કરતો હોય છે. દીકરાને શાળાએ મોડું ના થઈ જાય ક્યાંક. ચા-નાસ્તો, ટીફીન, પતાવો ફટાફટ. માથું દુ:ખે કે અસુખ હોય તમને સીક રજા નો હક નહિ. ઘણીવાર તો સવારની ચા ઠરી જ ગઈ હોય યા પીવાની ભૂલી જવાતી હોય! હાશ કરીને બેસવાનો કે શાંતિથી છાપું વાંચવાનો કે ટીવી પર મન-ગમતા ન્યુઝ જોવાનો પણ સમય ન હોય. ઘર, પતિદેવ, છોકરાં, બધુ વધુ મહત્વનું, કામવાળી આવે કે ન આવે, લાઈટનું બિલ ભરવાનુ કે છોકરાંઓની ટ્યુશન ફી ભરવા શાળાએ જવાનું. ગયા વગર ન જ ચાલે. તડજોડ તો કરવી જ પડે ને આજની મોંઘવારીમાં! આ ઘર ચલાવવું કંઈ સહેલું થોડું છે? કેટ કેટલી ગણત્રી કરવી પડે, વ્યવહાર સાચવવા પડે! ઘરે બેસીને પણ હાઉસવાઈફ કેટલાં કામ કરતી હોય છે; એ બધું હજુ ય લોકોને નથી દેખાતું. આખો દિવસ પતિ અને છોકરાઓના જ્યાં ત્યાં ફગાવેલાં કપડાં, ચોપડાં ની ગોઠવણી, અરે બુટ-ચંપલ ઘોડામાં મૂકવા, રોજ રાત્રે સૂતાં પહેલાં ભૂલ્યા વગર દૂધની કૂપન સાથે બહાર જાળીએ થેલી લટકાવવી, આ બધી પ્રવૃતિઓ સમયસર કરી શકે એ માટે પોતાના ટાઈમ ટેબલની ગોઠવણી. આવી તો બહુ બધી નાની નાની વાતો. જે કહેવાની જરુર નથી. ટીવીનું રીમોટ પતિદેવ અને સાસુમાઓ ના હાથમાં જ રહે છે. અથવા તો પછી બાળકોનો વારો આવે. એટલે જ તો બધી સિરિયલ બપોરે પણ રીપીટ થાય છે. જે જોઈને એ થોડી ફ્રેશ થાય છે. અને સાંજની ડ્યુટી માટે તેમજ ઘરના લોકોના ઓર્ડરો હસતાં મોઢે ઉપાડવા માટે તૈયાર થાય છે. એમાં એ અનોખો સંતોષ મેળવે છે પણ તેમ છતાં જો એની કદર ના થાય, કે “એમાં તમે શુ ધાડ મારી. આખા ગામના બૈરા કરે છે ઘરનાં કામ.તે તમે વળી શુ નવાઈ કરી” આમ કોઇ કહે ત્યારે બહુ દુઃખ થાય છે. અને જો એ પતિ કમાઈને લાવે એમાં પોતાની સૂઝબૂઝથી ઘર ચલાવતી હોય, તો શું ખોટું છે? હાઉસવાઈફ બની રહેવાનું. પતિ-પત્નીની પરસ્પરની સમજૂતી છે. જે તે બંને જણે નક્કી કરેલ છે. પણ આમાં એક સ્ત્રી જ જ્યારે સ્ત્રીને તિરસ્કૃત કરે ને ત્યારે ગુસ્સો આવે છે.  
  
અર્ચના- એમાં ગુસ્સો કરવા જેવું મને તો નથી લાગતું અને જે સ્ત્રી નોકરી કે વ્યવસાય કરે છે તે ઘરકામ નથી જ કરતી એમ થોડું છે? નોકરિયાત સ્ત્રીએ કારકિર્દી અને ઘર એ બે મોરચા સાથે સંભાળવાના હોય છે. તમે જે જે કામો ગણાવ્યાં લગભગ તે બધાં જ નોકરિયાત મહિલા પણ વધતે ઓછે અંશે કરતી જ હોય છે ને? તદુપરાંત ઓફિસની વધારાની જવાબદારી હોય. જયશ્રી બહેન શાળાના પેપર ઘેર જોવા લાવતાં નહિ હોય? બીજી તરફ, પુરૂષ હજુ પણ માત્ર ઘર માટે કમાઇને પોતાની ફરજ બજાવ્યાનો સંતોષ માની લે છે. ઘર સંભાળવામાં તે સ્ત્રી સાથે જવાબદારી વહેંચી લેતો નથી. આમ બેવડી જવાબદારી બજાવતી સ્ત્રી એ માટે પોતાને સામાન્ય ગૃહિણી કરતાં ચઢિયાતી માને તે સ્વાભાવિક છે.

નેહા- રાઇટ. હકીકતે “ફક્ત ઘરકામ” કરતી સ્ત્રીમાં મોટે ભાગે ‘ટાઇમ મેનેજમેન્ટ’ નો અભાવ હોય છે. આ કારણે આખો દિવસ પોતે કામમાં વ્યસ્ત હોય તેવો દેખાવ કરે અથવા એમ માને. જ્યારે ખરેખર સમય નો બગાડ જ થયો હોય. પાડોશણો સાથે ગપ્પાં મારવામાં કે કામવાળી સાથે બીજાની કુથલી કરવામાં સમય કાઢતી હોય છે. રસોઈમાં એક-દોઢ કલાકથી વધારે સમય ન જોઇએ, પણ તો ય દિવસના ચાર કલાક સુધી રસોડામાંથી બહાર ના નીકળે! પતિ કે સંતાનો પોતાનાં કામ જાતે કરે તેવી તેઓને ફરજ ન પાડે. પથારીમાંથી ઊઠીને પતિ સહિત બધા પોતાનાં ઓઢવાનાં પણ જાતે વાળીને ન મૂકે. શા માટે બધા કપડાં-ચોપડાં ફગાવીને જાય? પણ ના. ઊલટાનું આવાં કામ કરવામાં તે ગર્વ અનુભવે. “અમારા એમને તો ચા બનાવતાં પણ ન આવડે” આવાં આવાં સ્ટેટમેન્ટ ગર્વથી કરે! માફ કરજો પણ 90% ગુજરાતી હાઉસવાઈફ આ પ્રકારની હોય છે. તદ્દન ઈન-એફિસીયંટ.   

જયશ્રી- નેહાની સાથે હું સંમત નથી. મારો પોતાનો અનુભવ કહું – જ્યારે નોકરી કરતી હતી ત્યારે બસ, હાઉસવાઈફ બનવા તડપતી હતી, મને જરા પણ નોકરી કરવાની ઈચ્છા ન હતી. પણ ઘરની પરિસ્થિતિને લીધે જરૂરિયાત હતી. અને અત્યારે ખુબ ગર્વ અને મજાથી હાઉસવાઈફ બની મારા ઘરના સભ્યોને સાચવવાની લખલુટ મજા લઉં છું. અને સાથે સાથે મારી જાત સાથે જીવવાની પણ મજા આવે છે. મેં બંને પ્રકારની જીંદગી જોઇ છે. આથી અંગત રીતે હું માનું છું કે એક નોકરિયાત સ્ત્રી તરીકે તમે ક્યારે પણ તમારા “સ્વ” માટે નથી જીવી શકતા. જેમતેમ સંસારચક્રના ઢાંચામાં જડાઇને જીવન વ્યતીત કરો, બસ બેળે બેળે ઘર અને ઓફિસ ની ગુલામી કર્યા કરો. એક કડવું સત્ય કહું? નોકરી કરનાર સ્ત્રીઓનો કદાચ માંહ્યલો મરી જાય છે, અથવા તેઓ પોતાની જીંદગીની કડવી વાસ્તવિક્તા ને કારકિર્દીની આડ હેઠળ કદાચ રેતીમાં માથું છુપાવીને જીવે છે. બાકી જે સ્ત્રી પોતાના ઘર અને છોકરાંને મૂકીને નોકરી કે કેરીયર પાછળ પડે છે તેને મનમાં તો હાઉસવાઈફની અદેખાઈ આવતી જ હશે ! સિવાય કે તેનું સ્ત્રીત્વ એટલી હદે કરમાઈ ગયું હોય, કે ગૃહિણી કે માતા તરીકેના અહેસાસ જ ચીમળાઈ ગયા હોય, તો કદાચ આવી બડાશ મારે ! 

ભરત અંકલ- ફક્ત ગૃહિણી તરીકે રહેવામાં કોઇ નાનપ નથી. પણ જે સ્ત્રી ઘરકામ અને બાળ-ઉછેર ઉપરાંત આર્થિક ઉપાર્જનમાં પતિને મદદરૂપ થતી હોય અને બેવડી જવાબદારી નિભાવતી હોય, તે વધારે પ્રશંસાને પાત્ર નથી?  અલબત્ત, ઘણી સ્ત્રીઓ આ બાબતમાં જરા ગર્વિષ્ઠ હોય છે. કદાચ ગુરૂતા ગ્રંથીની ભોગી છે. સામે પક્ષે ગૃહિણી પોતાની મનગમતી કારકિર્દી છોડવાથી કે અન્ય કારણોસર લઘુતા ગંથી અનુભવતી હોય. પરદેશમાં પતિ-પત્ની બંને કામ પર જતાં હોય તે સ્વાભાવિક છે. સાથે ઘર કામ અને બાળ-ઉછેરમાં પતિની સરખે સરખી ભાગીદારી પણ એટલી જ સ્વાભાવિક છે. અરે! ફક્ત ઘરેલુ સ્ત્રી અહિં ઈર્ષાનું કારણ બને છે. પતિની આવક એટલી છે કે તેને જોબ કરવો નથી પડતો!  જયશ્રીબહેને કહ્યું તેમ ઘેર રહીને બાળકોના ભવિષ્ય ઘડતર માટે સમય આપવા બદલ ગર્વ અનુભવે ! ભારતમાં ફક્ત ઘરકામ કરતી સ્ત્રીઓ સમયનો સદુપયોગ અને સુ-સંચાલન ભાગ્યે જ કરતી હોય છે. એ કડવી પણ સત્ય હકિકત છે. આ જ કારણે હિંદી ટીવી શ્રેણિ નો દર્શનાંક ગુજરાતમાં સૌથી વધારે છે. જે ગૃહિણી ગૃહકાર્યમાં સમયનો સમન્વય સાધી શકે છે તે પોતાની મનગમતી ઈતર પ્રવૃતિ કરે છે. મારા એક મિત્રનાં પત્ની સીરામિક ની કળાત્મક ચીજ વસ્તુઓ બનાવે છે. તો કોઇ સમાજસેવા, સંગીત, સાહિત્ય કે ચિત્રકામ વગેરેની  પ્રવૃતિઓ કરે છે. આથી કોઇ ગૃહિણીએ પોતે પછાત છે એવી ભાવના રાખવી ન જોઇએ. સાથોસાથ નોકરિયાત સ્ત્રીઓ પણ આદરને પાત્ર છે. આ ચર્ચાનો સાર એ કે આપણા પુરાણ ગ્રંથોમાં  સ્ત્રીને આદ્ય શક્તિ કહી છે તે સનાતન સત્ય છે. સાક્ષાત પરમાત્મા પણ દૈવી શક્તિને પ્રણિપાત કરે છે તો પામર મનુષ્યનું શું ગજું!

સીમા- અંકલ, અત્યાર સુધી હું આ બધું ચુપચાપ સાંભળતી હતી. આ ઉપરથી તો મને એમ લાગે છે કે ઘરસંસારમાં પુરૂષોનું કોઇ યોગદાન જ નથી. બધી જ જવાબદારી જાણે સ્ત્રી જ સંભાળે છે! મેં ક્યાંક વાંચેલું કે સંસારચક્રનાં બે પૈડાં હોય છે. અહિં તો એક જ ચક્ર રથનો ભાર ઉપાડે છે!  સ્ત્રી જ સર્વસ્વ છે!

ભરત અંકલ- ના. ના. એવું નથી. સ્વાનુભવે કહું તો સંસારમાં સ્ત્રીનું એકચક્રી શાસન જરૂર હોય છે. પરંતુ  રથને વહન કરવામાં પુરૂષનું યોગદાન હોય છે જ પણ એ માટે આપણે ‘ઓરેવા બીચ’ પર જઈશું ત્યારે ચર્ચા કરીશું. અત્યારે હવે પેલા પુરૂષોએ ગરમાગરમ આલુ ટીકી બનાવવામાં જે યોગદાન આપ્યું છે તેને ન્યાય આપીએ!
<000000>
                                                                       
[સ્રોત: અક્ષિતારક પર પ્રગટ થયેલ લેખ અને તેના પ્રતિભાવો તથા સુશ્રી સ્નેહાબહેન સાથે થયેલ ઇ-મેલ ચર્ચાને સંકલિત કરી સમગ્ર ચર્ચાને એક કેનવાસ પર સુયોજિત કરવાનો નમ્ર પ્રયાસ. આ માટે સ્નેહાબહેન તથા તેમના પ્રતિભાવકોનો આભારી છું. ]


5 ટિપ્પણીઓ: